ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી હવામાનમાં ઉષ્ણતા વધી હતી પણ છેલ્લા અઠવાડિયામાં હવામાનમાં ઘણાં ફેરફાર થયા છે. મરાઠવાડા સહિત વિદર્ભમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તેથી ખેડૂતોનું ઘણું નુકસાન થયું. ઉપરાંત હવામાનમાં સતત થતા ફેરફારના લીધે નાગરિકો બીમારીઓથી હેરાન થઈ રહ્યા છે. હવામાન વિભાગે થોડા દિવસ પહેલાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે એવો અંદાજ વ્યક્ત કર્યો છે.
હાલની સ્થિતિમાં સમુદ્ર પરથી આવતા પવન મોડેથી આવતા હોવાથી વાતાવરણમાં ઉષ્ણતા લાંબા સમય સુધી રહે છે. અત્યારે પૂર્વથી અગ્નિ દિશા તરફ પવન ફૂંકાય છે. આ પવન ભેજ લઈને આવતા હોવાથી ઉકળાટનો વધુ અનુભવ થાય છે એમ હવામાન વિભાગના અધિકારીઓ જણાવે છે. ઋતુ બદલાવના સમયે અચાનક તાપમાનનો પારો અને ઉકળાટ વધતો દેખાય છે. આ અનુભવ દર વર્ષે જોવા મળે છે એમ પણ અધિકારીઓ સ્પષ્ટ કરે છે.

મુંબઈમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી ઓછા થયાની રાહત છે પણ આ સ્થિતિ ઝાઝો સમય નહીં રહે. ફરીથી તાપમાનનો પારો ઉંચે ચઢશે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આ અઠવાડિયે તાપમાનમાં વધારો યથાવત રહેશે. ગરમી વધી હોવાથી લો પ્રેશરનો પટ્ટો તૈયાર થયો છે. ઉપરાંત ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે પણ પવનની દિશા બદલાઈ છે. તેથી મહારાષ્ટ્રમાં વાદળિયુ વાતાવરણ નિર્માણ થતા કેટલાક ઠેકાણે વરસાદની સ્થિતિ છે.
