ભિવંડી બાયપાસ રોડ પર 31.8 કરોડના મેફેડ્રોન નામના 15 કિલો ડ્રગ્સ સાથે ગુનાહિત પાર્શ્વભૂ ધરાવતા બે જણની થાણે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભિવંડી બાયપાસ રોડ વપર રંજનોલી ખાતે ડ્રગ્સનો વ્યવહાર થવાનો છે એવી આગોતરી માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવીને આરોપીઓને ઝડપી લીધા છે.
ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અમરસિંહ જાધવે જણાવ્યું કે રંજનોલી નજીક નાશિક- થાણે હાઈવે પરથી 9 ઓગસ્ટે બે કારને આંતરવામાં આવી હતી. તેમાંથી મુંબ્રાના રહેવાસી તનવીર અહમદ કમર અહમદ અન્સારી (23) અને વિઠ્ઠલવાડીના રહેવાસી મહેશ હિંદુરાવ દેસાઈ (35)ની ધરપકડ કરવામાં આવી હતી. બંને રેકોર્ડ પરના ગુનેગારો છે. અન્સારીની કારમાંથી 11.7 કિલો અને દેસાઈની બીએમડબ્લ્યુમાંથી 4.161 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું.

ખાસ કરીને બીએમડબ્લ્યુ કારની પાછળના ભાગે થાણે મહાપાલિકાનો લોગો લગાવેલો હતો. પોલીસ તેની તપાસ કરી રહી છે. અન્સારી ચોરીની કાર ચલાવતો હતો એવું જણાયું છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું. અન્સારી વિરુદ્ધ ભિવંડીમાં અનેક ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે દેસાઈ કોલ્હાપુરમાં હોઈ તેની વિરુદ્ધ પણ એનડીપીએસ એક્ટ અને મકોકા હેઠળ અનેક ગુના દાખલ છે. આ ડ્રગ્સ આરોપીઓ થાણે અને મુંબઈમાં વિતરણ કરવાના હતા. તેમના સાગરીતોની હવે તપાસ કરવા માં આવી રહી છે, ભિવંડી ડિવિઝનના કોનગાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મરોલમાં 1.15 કરોડનું ડ્રગ્સ પકડાયું દરમિયાન વિશ્વસનીય માહિતીને આધારે એમઆઈડીસી પોલીસે અંધેરી પૂર્વના મરોલ ખાતે વિજયનગર બ્રિજની નીચે ઘના દેશના નાગરિક હેન્રી અલમોહ (34)ની સોમવારે ધરપકડ કરીને તેની પાસેથી રૂ. 287.80 ગ્રામનું રૂ. 1.15 કરોડનું કોકેઈન અને બે કીમતી મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
