
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોની કરોડો રૂપિયાના મીઠી નદીમાંથી કાદવ કાઢવાના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સાથેના સંબંધો અંગે બુધવારે બીજી વખત આકરી પૂછપરછ કરી હતી. મોરિયા સામે કેટલાક પુરાવા મળ્યા છે.
આ કેસમાં 13 આરોપીમાંથી ફક્ત 2 જણની જ અત્યાર સુધી ધરપકડ થઈ છે. એસઆઈટીએ સોમવારે મોરિયા બંધુઓની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી. ત્યાર બાદ તેમને બુધવારે ફરી હાજર રહેવાનું કહેવામાં આવ્યું. બુધવારે બપોરે ડિનો અને સેન્ટિનો એસઆઈટી સમક્ષ હાજર થયા.મોરિયા પર આ કૌભાંડના મુખ્ય આરોપી સાથે સંબંધ હોવાનો આરોપ છે. ડિનોની ધરપકડ કરાયેલા આરોપીઓ અને વોડર ઇન્ડિયા લિમિટેડના વચેટિયા કેતન કદમ સાથે ગાઢ સંબંધ છે. અધિકારીઓને શંકા છે કે, તેણે આરોપીઓને કોન્ટ્રાક્ટરોને પ્રભાવિત કરવામાં મદદ કરી હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે કેતન કદમ અને સહ-આરોપી જય જોશીના કોલ રેકોર્ડ તપાસ્યા હતા. તેમાં મોરિયા બંધુનું નામ સામે આવ્યું. તેમણે કેતન કદમ સાથે ફોન પર ઘણી વખત વાત કરી હતી. આ વાતચીતના સંદર્ભમાં હાલમાં ડિનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનો આરોપીઓ સાથે આર્થિક વ્યવહારોમાં કેવો સંબંધ છે તે જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને, શું ડિનોને આ આર્થિક વ્યવહાર વિશે કોઈ જાણકારી હતી કે તે તપાસવામાં આવી રહ્યું છે.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કૌભાંડમાં 65 કરોડ રૂપિયાની ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. આ આરોપો હેઠળ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના અધિકારીઓ, કેરળની એક કંપની અને કેતન કદમ અને જય જોશી (જેઓ ડ્રેજિંગ મશીનો ભાડે આપે છે) પર મીઠી નદીમાંથી કાંપ કાઢવાના કોન્ટ્રાક્ટ માટે સાઠગાંઠ કરવાનો આરોપ છે.
13 આરોપી, ધરપકડ 2 જણની!!! – એવો આરોપ છે કે આખું કૌભાંડ બીએમસી અધિકારીઓ, મેટપ્રોપના પ્રતિનિધિઓ, કદમ અને જોશી દ્વારા આચરવામાં આવ્યું હતું. તેઓએ સિલ્ટ નિકાલનો દર પણ વધાર્યો. આ મશીન માટેનો સામાન્ય દર પ્રતિ મેટ્રિક ટન 1,609 રૂપિયા હતો. તેને વધારીને 2,193 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો.
બીએમસીના વિજિલન્સ વિભાગના વાંધાઓ બાદ, અગાઉના દરને મંજૂરી આપવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને 17 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. કોન્ટ્રાક્ટરોએ મુંબઈથી કાંપ પરિવહન કરવા માટે નકલી બિલ પણ બનાવ્યા હતા. આ કેસમાં કુલ 13 લોકો આરોપી છે. આમાં મેટપ્રોપના દીપક મોહન અને કિશોર મેનનનો સમાવેશ થાય છે. પરંતુ અત્યાર સુધી ફક્ત કેતન કદમ અને જય જોશીની જ ધરપકડ કરવામાં આવી છે.

શું છે આખો મામલો? બીએમસી અધિકારીઓની એક ટીમે કેરળમાં મેટપ્રોપના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કંપની તેના કાંપ કાઢવા અને ડ્રેજિંગ મશીનો માટે જાણીતી છે. ત્યાર બાદ બીએમસીએ એક ચોક્કસ ઓર્ડર સાથે ટેન્ડર બહાર પાડ્યું જે મેટપ્રોપ મશીનોના સ્પષ્ટીકરણો સાથે બરાબર મેળ ખાતું હતું. આનો અર્થ એ થયો કે ટેન્ડર માટે અરજી કરનાર કોઈ પણ કોન્ટ્રાક્ટરે કેરળ કંપની પાસેથી મશીનો ખરીદવા અથવા ભાડે રાખવા પડશે.
મોરિયા બંધુએ મશીનો ભાડે આપ્યા તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે બીએમસી અધિકારીઓએ મશીનો ખરીદવા માટે મેટપ્રોપનો સંપર્ક કર્યો, ત્યારે તેમને વચેટિયા કેતન કદમ અને જય જોશીનો સંપર્ક કરવામાં આવ્યો, જેમણે આવા મશીનો ભાડે આપ્યા હતા. શરૂઆતમાં, તેઓએ સિલ્ટ પુશર મશીન અને પોન્ટૂન મશીન ભાડે આપવા માટે 2 વર્ષના કરાર માટે 8 કરોડ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ અંતે, 4 કરોડ રૂપિયામાં નક્કી થયું. આ મશીનો મોરિયા બંધુએ ભાડા પર પૂરા પાડ્યા હતા.
