યોગવાશિષ્ઠ મહારામાયણ અદ્વૈત વેદાંતનો અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે. પરંપરાગત આદિ કવિ વાલ્મીકિને યોગવાશિષ્ઠ મહારામાયણના રચયિતા માનવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રચયિતા મહર્ષિ વશિષ્ઠ છે. મહર્ષિ વાલ્મીકિએ આ સિદ્ધાંત ગ્રંથનું સંકલન માત્ર કર્યું છે. આ ગ્રંથમાં જગતની અસત્તા અને પરમાત્મ સત્તાનું સુંદર પ્રતિપાદન થયેલું છે. સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, જીવન-જગત, જડ-ચેતન, લોક-પરલોક, બંધન-મુક્તિ, બ્રહ્મ અને જીવ, આત્મા અને પરમાત્મા, આત્મજ્ઞાન અને અજ્ઞાન, સત્ અને અસત્, મન અને ઈન્દ્રિયો, ધારણા અને વાસના, ધ્યાન-યોગ-સમાધિ, મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રવિધિ વગેરેનું સૂક્ષ્મતમ અને અતિ વિસ્તૃત નિરૂપણ કરાયું છે. જ્ઞાનીઓના શિરોમણિ મહર્ષિ વશિષ્ઠે જે જ્ઞાન તેમના પિતા બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત કર્યું હતું તે તેમણે ભગવાન રામને એમના અધ્યયન કાળ વખતે આપ્યું હતું. આ મહર્ષિ વશિષ્ઠ અને રામના સંવાદથી પ્રગટ થયેલા જ્ઞાનના સંગ્રહને મહર્ષિ વાલ્મીકિએ ગ્રંથ રૂપે સંકલિત કર્યું હતું.
યોગવાશિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણના પંદરમા સર્ગમાં રાજા પદ્મ અને તેમની રાણી લીલાની જીવનકથાનું અદ્ભુત નિરૂપણ થયેલું છે જેમાં સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિના રહસ્યો, મરણ પછી પણ સતત ચાલુ રહેતી જીવન પરંપરા, આત્માની અનંત શક્તિ, જીવિત અને મૃત વ્યક્તિની અનેક આવૃત્તિઓ, અનેક પ્રકારના જગતો અને જીવનપ્રસંગોની પુનરાવૃત્તિ વગેરે બાબતો સમજાવવામાં આવી છે. અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો ક્વૉન્ટમ સિદ્ધાંત અને મલ્ટિવર્સની થિયરી જે વાત કહે છે તે જ બાબત અહીં સુંદર રીતે સમજાવવામાં આવી છે. ઉત્પત્તિ પ્રકરણના ૬૨મા સર્ગના પહેલા અને બીજા શ્લોકમાં કહેવાયું છે – ‘પરમાણુ નિમેષાણાં લક્ષાંશકલનાસ્વપિ જગત કલ્પ સહસ્ત્રાણિ સત્યાનીવ વિભાત્યલમ્ ।।’ પરમાણુના લાખમા ભાગમાં પણ હજારો જગત સાચા હોય તેવી રીતે દેખાય છે તથા એક નિમેષ એટલે કે આંખની પાંપણના પલકારા જેટલા સમયના લાખમા ભાગમાં હજારો કલ્પ સાચા હોય એમ જણાય છે. તે પરમાણુમાંના જગતમાં રહેલા પરમાણુમાં પણ ભ્રાંતિથી હજારો જગત જણાય છે. એ રીતે ઉત્પત્તિ પ્રકરણના બીજા સર્ગના ૧૭૬મા શ્લોકમાં પણ જણાવવામાં આવ્યું છે. ‘આકાશના અણુ અણુમાં અસંખ્ય પ્રમાણના જગતો રહેલા છે એમની ઉત્પત્તિ સ્થિતિ અને અંત વિશે જાણવા કોણ સમર્થ છે ?’
રાજા પદ્મ અને તેમની પત્ની રાણી લીલાની કથા આ પ્રમાણે છે. રાણી લીલાને તેના પતિ પર અત્યંત પ્રેમ હતો. તે તેનાથી થોડીવાર પણ જુદા પડવાનો વિચાર કરી શકતી નહોતી. એક દિવસ તેને વિચાર આવ્યો હું એવું કંઈક કહું જેનાથી મારા પતિ સાથે શાશ્વતકાળ રહી શકું. આ માટે તેણે દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો નિર્ધાર કર્યો. તેણે ત્રણસો વર્ષ રાત્રિ પર્યંત કઠોર તપશ્ચર્યા કરી. સરસ્વતી પ્રસન્ન થયાં એટલે તેણે વરદાન માંગ્યું – જો મારા પતિનું મારાથી પહેલાં મરણ થઈ જાય તો એવું કરજો કે એમની આંતરિક પ્રાણચેતના શરીરમાંથી નીકળ્યા બાદ મહેલમાંથી બહાર ન જાય. સરસ્વતીએ એ વરદાન આપ્યું… ‘તે જ્યારે ઈચ્છે ત્યારે તેના પતિને તેના મરણ બાદ પણ તે જ્યાં હશે ત્યાં મળી શકશે.’
થોડા સમય બાદ રાજા પદ્મનું મરણ થયું. લીલાએ પદ્મનો દેહ સાચવી રાખવા દેવી સરસ્વતીનું ધ્યાન કર્યું. પછી સરસ્વતી પ્રગટ થયાં એટલે રાણી લીલાએ તેમને પૂછયું – અત્યારે મારા પતિ ક્યાં છે ? તે ક્યાં છે ? તે શું કરે છે તે મારે જોવું છે. મારે તેમને મળવું છે. દેવી સરસ્વતીએ તેને કહ્યું – એક શુદ્ધ ચેતના પરમાત્મારૂપ આકાશ છે. બીજું મનરૂપ ચિદાકાશ છે. ત્રીજું આ જાણીતું, પંચમહાભૂતમાંનું એક ભૂતાકાશ છે. તું આ ભૂતાકાશ અને ચિકાદાશથી ઉપર ઉઠી પરમ ચૈતન્યાકાશમાં ગતિ કર. સરસ્વતીએ નિર્વિકલ્પ સમાધિ દ્વારા ચૈતન્ય આકાશમાં તેને ગતિ કરાવી. ત્યાં તેણે બીજી સૃષ્ટિમાં પ્રવેશ કરી તેના પતિ રાજા પદ્મને એક રાજસિંહાસન પર બેઠેલા જોયા. ત્યાં પણ એ જ મંત્રીઓ, સામંતો, સેવકો વગેરે હતા. જોકે વિસ્મય ઉપજાવે તેવી બાબત એ હતી કે તે સૃષ્ટિના પદ્મ રાજાની ઉંમર માત્ર ૧૬ વર્ષની જ હતી. તેણે સરસ્વતી દેવીને પૂછયું – એક તરફ આ સૃષ્ટિમાં મોટી વયના મારા પતિનો મૃતદેહ રાજમહેલમાં સચવાયેલો પડયો છે તો બીજી સૃષ્ટિમાં તે સોળ વર્ષની વયના જીવતા છે અને રાજ ચલાવી રહ્યા છે. આવું કેવી રીતે બને ? મને તેનું રહસ્ય સમજાવો.
દેવી સરસ્વતીએ રાણી લીલાને સમજાવ્યું – સર્ગે સર્ગે પૃથકરૂપ સન્તિ સર્ગાન્તરાણ્યાપિ । તેષ્વપ્યન્તઃ સર્ગોધાઃ કદલીદલ પીઠવત્ ।। જેમ કેળના થાંભલામાં એક કેળના પાંદડાની અંદર બીજું પાંદડું અને એની અંદર પાછું ત્રીજું પાંદડું એમ કેટલાય પાંદડાઓનો સમૂહ હોય છે તેમ જગતોની અંદર પણ જગતોના સમૂહો રહેલા છે. ચૈતન્ય સર્વવ્યાપી હોવાને કારણે એક જીવ બીજા જીવના જગતમાં પણ પ્રવેશ કરે છે. એક એક જગતમાં જુદા જુદા રૂપવાળા બીજા જગતો પણ અંતર્નિહિત હોય છે. આકાશે પરમાણ્વન્તદ્રવ્યાદેક રેણુકેડપિ ચ । જીવાણુયંત્ર તત્રેદં જગદ્વાપ્તિ નિજં વપુઃ । જગતમાં વ્યાપ્ત ચેતનાના પ્રત્યેક પરમાણુમાં જે રીતે સ્વપ્ન લોક વિદ્યમાન છે તે રીતે જગતમાં અનંત દ્રવ્યના અનંત પરમાણુઓની અંદર અનેક પ્રકારના જીવ અને એમના જગત વિદ્યમાન છે.
આ વાતનો પુરાવો આપતાં સરસ્વતી દેવીએ રાણી લીલાને એક જગત બતાવ્યા જ્યાં તે પદ્મ સાથે જુદા જુદા પ્રકારે જીવતી હતી. તેને બીજા જન્મોનું સ્મરણ કરાવ્યું અને તે વખતની ઘટનાઓનું દર્શન કરાવ્યું. એ જન્મમાં, એ લોકના શરીરમાં પદ્મ રાજા વસિષ્ઠ બ્રાહ્મણ અને લીલા અરુંધતિ હતી તે બતાવ્યું. અહીં જેને તે ૭૦ વર્ષના આયુષ્યની અવધિ સમજતી હતી તે બીજા કલ્પના ૭ વર્ષના સમયગાળા બરાબર હતી. તે વખતે રાજ સુખ ભોગવવાની અને વિષય ઈચ્છાની ભાવના જાગતાં તે બન્ને પદ્મ-લીલાનું શરીર ધારણ કરી આ જન્મમાં પતિ-પત્ની બન્યાં. આમ, સરસ્વતી દેવીએ એમની દૈવી શક્તિથી રાણી લીલાને પદ્મરાજા સાથે અન્ય લોકમાં પ્રાપ્ત કરેલા વિવિધ જન્મો અને જીવનના દર્શન કરાવ્યા.
અનેક ક્વૉન્ટમ ભૌતિક વિજ્ઞાનીઓ અને એસ્ટ્રોફિઝિસ્ટ ઓલ્ટરનેટ કે પેરેલલ યુનિવર્સ અસ્તિત્વ ધરાવતા હોવાનું માને છે. ઈરવિન શ્રોડિન્જર, લી સ્મોલિન, ડોન પેજ, બ્રાયન ગ્રીન, મેક્સ ટેગમાર્ક, એલન ગુથ, એન્ડ્રેઈ લિન્ડે, લિયોનાર્ડ સસકાઈન્ડ, એલેકઝાન્ડર વિલેન્કિન, યાસુનોરી નોમુરા, લોરા મર્સિની-હ્યુગટન, નિલટાઈસન, સીનકેરોલ અને સ્ટિફન હોકિંગ્સ જેવા અનેક વિજ્ઞાનીઓ ‘મલ્ટિવર્સ’ એટલે કે ‘મલ્ટિપલ યુનિવર્સ’ના સિદ્ધાંતના સમર્થક છે. જ્હોન ગ્રિબને લખેલું પુસ્તક ‘ઈન સર્ચ ઓફ ધ મલ્ટિવર્સ : પેરેલલ વર્લ્ડઝ, હિડન ડાઈમેન્શન્સ એન્ડ ધ અલ્ટિમેટ ક્વેસ્ટ ફોર ધ ફ્રન્ટિયર્સ ઑફ રિયાલિટી’ અસ્તિત્વના અજ્ઞાત અને તેમાં રહેલા અનેક વિશ્વોના વૈજ્ઞાનિક સિદ્ધાંતને સરસ રીતે સમજાવે છે.