
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મંગળવારે થાણેમાં મધ્ય રેલવે સામે મોરચો કાઢ્યો હતો. આ પછી, મનસે નેતા અવિનાશ જાધવે અધિકારીઓને આડે હાથ લીધા. સ્ટેશનોમાં ખાવા-પીવાના સ્ટોલની શું જરૂર છે? આઠ દિવસમાં આ સ્ટોલ દૂર કરો. નહિતર મનસે આ સ્ટોલ ઉખેડી નાખશે એમ અવિનાશ જાધવે કહ્યું.મધ્ય રેલ્વે વહીવટને ચેતવણી આપતાં જાધવે કહ્યું કે રેલવે પ્રશાસન અસંખ્ય ટિકિટ અને પાસ કેમ જારી કરે છે? લોકો આટલી ભીડમાં મુસાફરી કેવી રીતે કરી શકે? લોકો ઘરે પાછા ફરવા માટે રિટર્ન ટિકિટ લે છે. જોકે હવે લોકો ઘરે પાછા ફરવાની કોઈ ગેરંટી ન હોવાથી, તેઓ એકમાર્ગી જ ટિકિટ લેશે. જો રેલવે પોતાનો રસ્તો નહીં બદલે તો આ પરિસ્થિતિ આવશે. રેલવેમાં સુધારા રાતોરાત થતા નથી. તો હવે કહો કે મુસાફરોની સુવિધા માટે તમે કયાં પગલાં નક્કી કર્યા છે.

દરેક સ્ટેશન પર ન્યુઝપેપર કે વડાંપાંઉના સ્ટોલની શું જરૂર છે? ડિજિટલ યુગમાં, પ્રવાસીઓ મોબાઇલ ફોન પર સમાચાર વાંચે છે. સ્ટેશન પર પહોંચ્યાના પાંચથી દસ મિનિટમાં ટ્રેનમાં ચઢી જાય છે. આથી પ્રવાસીઓને આવા સ્ટોલની જરૂર નથી. તમારા લોકોની ખાયકી માટે બહાર પાડવામાં આવેલાં આ ટેન્ડરો બંધ કરો. લોકોને બેસવા માટે જગ્યા બનાવો. સ્ટેશન પરના આ સ્ટોલ આગામી આઠ દિવસમાં દૂર કરવા પડશે. નહિતર, અમે તેને ઉખેડી નાખીશું. પ્રશાસન ફક્ત લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો વિશે જ વિચારે છે. મેઈલ આવે ત્યારે લોકલ ટ્રેનો બંધ કરવામાં આવે છે. અકસ્માતોમાં ઘાયલ થયેલા 8,000 લોકોના કેસ પેન્ડિંગ છે. અકસ્માતોમાં પગ ગુમાવનારા અને જીવ ગુમાવનારા લોકો અંગે રેલવેની ભૂમિકા શું છે? થાણે સ્ટેશન પરના દસમાંથી આઠ શૌચાલય બંધ છે. મુસાફરો ટિકિટ માટે પૈસા ચૂકવે છે, તો તેમને સુવિધાઓ કેમ મળતી નથી? એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

