અંધેરી સ્ટેશન પર યાત્રીઓ માટે એસ્કેલેટર લગાવવાની માગણી મહારાષ્ટ્ર રેલવે પ્રવાસી મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. મુંબઈ ઉપનગરીય પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન પર બધી જ ધીમી અને ફાસ્ટ લોકલ ટ્રેનની જેમ ગોરેગામથી સીએસટી, પનવેલ સુધીની ટ્રેનોની સાથે અમુક મેલ એક્સપ્રેસ ટ્રેનોને હોલ્ટ કરાય છે. આથી તેથી રોજ પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ને સુવિધાનો વિચાર કરવો જરૂરી છે. આ સ્ટેશનના પૂર્વ ભાગમાં મોટી ઔદ્યોગિક કંપનીઓ, ઘણી વિદેશી કંપનીઓની ઓફિસો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, તારાંકિત હોટેલો અને સ્થાનિક વસતિના વિસ્તારને કારણે દરરોજ સવારથી મોડી રાત સુધી વ્યાવસાયિક યાત્રીઓ વધી રહ્યા છે.

અંધેરી સ્ટેશનના ૯ પ્લેટફોર્મ પર એક જ સમયે ટ્રેનોની આવજાને કારણે યાત્રીઓનો ભારે ધસારો રહેતો હોય છે. છતાં આ સ્ટેશનની પૂર્વ બાજુએ બહારના વિસ્તારમાં એક પણ એસ્કેલેટર ઉપલબ્ધ નથી.સુવિધાના અભાવે, વૃદ્ધો, અપંગો, બીમાર અને સગર્ભા સ્ત્રી યાત્રીઓ અને બહારગામ આવતા- જતા યાત્રીઓને ભારે સામાન લઈને પુલનાં પગથિયાં ઊતરવા – ચઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

લાંબા સમયથી રહેલી આ સમસ્યા ધ્યાનમાં લઇ રેલવે વહીવટી તંત્ર દ્વારા યાત્રીઓ માટે સ્ટેશનની પૂર્વ બાજુએ આવેલા પુલની સાથે એક – બે જગ્યાએ એસ્કેલેટર લગાવવાની માગણી કરતાં મહારાષ્ટ્ર રેલ્વે પ્રવાસી મહાસંઘ (પ.રે.)ના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યા અને સચિવ સંજય શેકોકારે અંધેરી સ્ટેશનના મેનેજર મોહમ્મદ ફારૂકને આ બાબતે નિવેદન પત્ર આપીને આ પત્ર ડીઆરએમ અને એમઆરવીસી પ્રાધિકરણને મોકલવા જણાવ્યું છે. તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
