મ્યુચ્યુઅલ ફંડ કંપનીના વરિષ્ઠ અધિકારીનું બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાવાથી મૃત્યુ થયું હોવાની ઘટના અંધેરી પૂર્વમાં બની હતી. ત્રીજા માળના છજા પર પડેલું એટીએમ કાર્ડ કાઢવાના પ્રયાસમાં સંતુલન ગુમાવવાથી અધિકારી પડી ગયો હોવાનું પોલીસને પ્રથમદર્શી જણાય છે.
અંધેરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ઉમેશ મચ્છિન્દરે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ પંકિત વિજય શાહ (39) તરીકે થઈ હતી. અંધેરી પૂર્વમાં તેલી ગલી નજીક જિંજર હોટેલ પાસે આવેલા ચઢ્ઢા પ્રિમાઈસેસમાંથી મંગળવારની સવારે 10 વાગ્યાની આસપાસ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો.
વિલેપાર્લે પશ્ર્ચિમમાં બાપુ વશી રોડ પરની નીલમણિ બિલ્ડિંગના સાતમા માળે રહેતો શાહ સોમવારે સાંજે ઘરે પાછો ફર્યો નહોતો. શાહની કોઈ ભાળ ન મળતાં પરિવારજનોએ જૂહુ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. જૂહુ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શાહની શોધ ચાલી રહી હતી ત્યારે મંગળવારની સવારે અંધેરી પોલીસની હદમાંથી તેનો મૃતદેહ મળ્યાની જાણકારી અમને મળી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શાહ અગ્રણી મ્યુચ્યુઅલ ફંડની પરેલમાં આવેલી ઑફિસમાં ઉચ્ચા હોદ્દા પર ફરજ બજાવતો હતો. મંગળવારની સવારે તે અંધેરીના ચઢ્ઢા એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલી મિત્રની ઑફિસે આવ્યો હતો.
પોલીસને શંકા છે કે પંકિત શાહ ઑફિસની બારી પાસે ઊભો હતો ત્યારે તેના હાથમાં એટીએમ કાર્ડ પડી ગયું હશે. કાર્ડ ત્રીજા માળના છજા પર પડ્યું હતું. એક ઝાડુની મદદથી એટીએમ કાર્ડ કાઢવાના પ્રયાસ દરમિયાન સંતુલન ગુમાવવાથી શાહ નીચે પડી ગયો હશે, એવું પોલીસ માની રહી છે. પોલીસને ત્યાંથી એટીએમ કાર્ડ મળી આવ્યું હતું.
અંધેરી પોલીસ સ્ટેશનના અધિકારી મચ્છિન્દરે કહ્યું હતું કે શાહ ઝાડુ સાથે જમીન પર પડ્યો હતો. તે પૂર્વે એક સફાઈકર્મચારીએ શાહને ઝાડુ લઈને બારીમાંથી કંઈક કરતાં જોયો હતો. આ પ્રકરણે હાલમાં એડીઆર નોંધવામાં આવ્યો છે, પરંતુ અમારી વિગતવાર તપાસ ચાલી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
