આમદાર નિવાસમાં કેન્ટીનના કર્મચારીએ હલકી ગુણવત્તાનું ખાવાનું આવતાં ઉશ્કેરાયેલા શિંદે સેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે મારપીટ કરી હતી, જેના રાજ્ય વિધાન પરિષદમાં પણ પડઘા પડ્યા હતા. ખાસ કરીને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગાયકવાડના કાન આમળ્યા હતા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય ગૃહના અધ્યક્ષ પર છોડી દીધો હતો.
ગાયકવાડ અનુસાર મંગળવારે રાત્રે 10.00 વાગ્યે વરણ ભાત અને પોળી મગાવી હતી. ભાત સાથે વરણ મિક્સ કરીને પ્રથમ કોળિયું મોઢામાં મૂકતાં જ ખરાબ સ્વાદ લાગ્યો. મને લાગ્યું કે કદાચ આમલી આવી ગઈ હશે, પરંતુ પોળી સાથે બીજો કોળિયો ખાતાં ઊલટી થઈ. આથી વરણ તપાસતાં તે સડી ગયેલું હતું.આમદાર કેન્ટીનમાં વિધાનસભ્યો સહિત 10,000થી વધુ લોકો રોજ ભોજન કરે છે. આ વિશે અગાઉ પણ ફરિયાદ કરી હતી. છતાં લોકોના જાન સાથે તેઓ રમત રમી રહ્યા છે. દરમિયાન ગાયકવાડે જો વિધાનસભ્યોને આવું ખાવાનું આપો છો તો સામાન્ય નાગરિકોને કેવું આપો છો એવો પ્રશ્ન કરીને કેન્ટીન કર્મચારીની મારપીટ કરી હતી.

વિપક્ષે આ મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. તેનો જવાબ આપતાં ફડણવીસે જણાવ્યું કે આમદાર નિવાસમાં કોઈ ગંદકી હોય કે ભોજન સારું નહીં હોય તો સ્વતંત્ર કાર્યવાહી કરવી, પરંતુ જનપ્રતિનિધિ મારપીટ પર ઊતરી આવે તે ખોટું છે. આથી લોકોમાં ખોટો સંદેશ પહોંચે છે. આપણે સત્તાનો દુરુપયોગ કર્યો એવી ભાવના લોકોમાં થાય છે. આ ગંભીર બાબત છે. તેની પર અધ્યક્ષે યોગ્ય કાર્યવાહી કરવી, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન અગાઉ ઠાકરે સેનાના વિધાનસભ્ય અનિલ પરબે મારપીટ માટે ગાયકવાડને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. વિધાનસભ્ય મારપીટ સમયે બનિયાન, ટુવાલ, લુંગી પર આવ્યા હતા. શું તમે રસ્તા પર રહો છો? કર્મચારીઓની મારપીટ કરો છો. તમારી અંદર હિંમત હોય તો મંત્રીઓની મારપીટ કરો, એમ તેમણે પ્રશ્ન કર્યો હતો. દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ જણાવ્યું હતું કે સરકારના વિધાનસભ્ય હોય કે મંત્રી, તેમના માથામાં સત્તા ભરાઈ ગઈ છે. એક કર્મચારીની મારપીટ કરી તેને સરકારે ગંભીરતાથી લેવું જોઈએ. ગરીબ લોકો પર અત્યાચાર કરવા માટે તમને લોકોએ સત્તામાં મોકલ્યા નથી. દાળમાં કોઈ ગડબડ હોય તો તમને કાયદેસર કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ મારપીટનો અધિકાર નથી, એમ પટોલેએ જણાવ્યું હતું.

કેન્ટીન પર એફડીએના દરોડા દરમિયાન મારપીટને લઈને કેન્ટીન ફરી ચર્ચામાં આવી હતી, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા અચાનક દરોડા પાડ્યા હતા. તે સમયે કેન્ટીનમાં ખાદ્યોની તપાસ કરવામાં આવી હતી અને અમુક નમૂના પણ લેવામાં આવ્યા હતા.
For more details… Contact 9322529232 / 9324483455
