મુંબઈમાં જુદા જુદા માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરવા દરમ્યાન અસરગ્રસ્ત થનારા લોકો (Project Affect People)માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુલુંડમાં ઘર બાંધવામાં આવી રહ્યા છે. હાલ મુલુંડમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ૬,૭૩૧ ઘર બાંધવામાં આવી રહ્યા છે.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે મુલુંડ (પૂર્વ)માં પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ માટે બાંધવામાં આવી રહેલા ઘરની સાઈટનું ઈન્સ્પેકશન કર્યું હતું. હાલ પાલિકા દ્વારા અહીં પાંચ બિલ્ડીંગમાં ૩૦,૯૫૪ ચોરસ મીટર ક્ષેત્રફળમાં ૬,૭૩૧ ઘર બાંધવામાં આવી રહ્યા છે.

પાલિકાના જણાવ્યા મુજબ અસરગ્રસ્તો માટે અહીં ૩૦,૯૫૪ ચોરસ મીટર ક્ષેત્રફળના વિસ્તારમાં પાંચ બિલ્ડીંગ બાંધવામાં આવી રહી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બાવીસ માળની ચાર બિલ્ડીંગ અને ગ્રાઉન્ડ પ્લસ પચીસ માળની એક બિલ્ડિંગનો સમાવેશ થાય છે. અસરગ્રસ્તોને ૩૦૦ ચોરસ ફૂટના ઘર આપવામાં આવશે, જેમા બેડરૂમ, હૉલ અને કીચન હશે. પ્રોજેક્ટના સ્થળે બગીચો, સ્કૂલ લાઈબ્રેરી, હેલ્થ સેન્ટર, સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવવાની છે.
