સતત ત્રણ દિવસનાં સીએનજી સંકટ બાદ મુખ્ય પાઈપલાઈના ભંગાણનું રિપેરિંગ પૂર્ણ થતાં સપ્લાય રાબેતા મુજબ શરુ કરાયો હોવાનો મહાનગર ગેસ લિમિટેડ દ્વારા કરાયો હતો. જોકે, વાહનોની લાંબી લાઈનો જોતાં સ્થિતિ હળવી થવાની સંભાવના છે. રવિવારે આરસીએફ કમ્પાઉન્ડમાં ગેઈલની પાઈપલાઈનમાં ભંગાણ પડયા બાદ વડાલા ખાતેનાં એમજીએલનાં મુખ્ય ટર્મિનલને મળતો ગેસ પુરવઠો બંધ થતાં મુંબઈ, નવી મુંબઈ તથા થાણેમાં સીએનજી સપ્લાય બંધ થયો હતો. તેના કારણે રિક્ષાઓ, કેબ, સ્કૂલ બસ સહિતના વાહનો રસ્તાઓ પરથી ગાયબ થતાં મુંબઈગરાંઓએ પારાવાર હાલાકી ભોગવી હતી. આજે પણ આખો દિવસ આ હાલાકી યથાવત રહી હતી અને લોકો બેફામ લૂંટાયા હતા.
એમજીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરસીએફ ટ્રોમ્બે પરિસરમાં ગેઇલની ક્ષતિગ્રસ્ત મુખ્ય ગેસ પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઇ ગયું છે અને ગેઇસ દ્વારા એમજીએલના સિટી ગેટ સ્ટેશન (સીજીએસ) વડાલાને ગેસ સપ્લાય પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે જ મુંબઇ, થાણે, નવી મુંબઇમાં અસરગ્રસ્ત સીએનજી ગેસ સ્ટેશનોને ગેસ સપ્લાય પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉપરાંત અસરગ્રસ્ત ઔદ્યોગિત અને વાણિજ્યિક ગ્રાહકોને ગેસ સપ્લાય ફરીથી શરૃ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ પંપને જરુર પડે મંગળવારની આખી રાત પંપો ચાલુ રાખી વાહનોને ગેસ પૂરી દેવા જણાવાયું છે. જેથી બુધવારે સવારે રશ અવર્સમાં ઓટો તથા કેબ્સ તથા સ્કૂલ વાહનો રાબેતામુજબ ચાલી શકે. એસોસિએશનના સૂત્રોએ મંગળવપારે મોડી સાંજ બાદ તમામ પંપોને પુરવઠો મળતો થયો હોવાનું કન્ફર્મ કર્યું હતું.

સોમવારે સાંજે એમજીએલ દ્વારા જણાવાયું હતું કે મુંબઈના કુલ ૩૮૯ પંપમાંથી ૨૨૫ એટલે કે ૬૦ ટકા પંપ પર પુરવઠો ચાલુ છે. જોકે, ડીલર એસોસિએશનના સૂત્રોએ કહ્યું હતું કે પંપોમાં પુરવઠો અપાય છે પરંતુ પ્રેશર નહિ હોવાથી તે વાહનોમાં ભરી શકાતો નથી. સંખ્યાબધ ઓોટો તથા કેબ ચાલકોએ પોતે છથી આઠ કલાક કે ક્યાંક તો ૧૦થી ૧૨ કલાક લાઈનમાં ઊભા રહ્યા હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન ત્રીજા દિવસે પણ સીએનજી ગેસનો પુરવઠો યોગ્ય રીતે શરૃ ન થતા મુંબઇના રસ્તાઓ પરથી રિક્ષા- ટેક્સી ગાયબ હોવાનું નજરે પડયું હતું. પરિણામે વહેલી સવારે કામે જતા નોકરિયાત વર્ગ, સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ અને અન્યોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ લોકોને બેસ્ટની સિટી બસ પર મદાર રાખવો પડયો હતો પણ બસ માટે પણ લાંબી કતારો લાગેલી હોવાથી ધસારાના સમયે લોકો હેરાન- પરેશાન થઇ ગયા હતા.
આ સમય દરમિયાન અમૂક એપ બેઝડ કેબએ બેકઅપ તરીકે પેટ્રોલનો ઉપોયગ કરવાનું શરૃ કર્યું હતું. મુંબઇ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માં લગભગ ૩૯૮ સીએનજી પંપ છે. જેમાંથી ૧૫૨ પંપ મુંબઇ શહેરના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સીએનજીના પુરવઠાના અભાવે ઓછા દબાણવાળા સીએનજીના પંપોને કાંતો વિતરણ ઘટાડવાની ફરજ પડી હતી અથવા કામચલાઉ ધોરણે કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.
દરમિયાન સીએનજી ગેસ ભરાવવા પંપો પર ઓટો- ટેક્સીની લાંબી કતારો જોવી મળી હતી. ઘણા ઓટો- ટેક્સીવાળાઓએ તો ગઇકાલ રાતથી ગેસ ભરાવવા પંપો પર જ રાત ગાળી હતી. દરમિયાન બેસ્ટની કામગીરી પર કોઇ વિપરીત અસર ન થઇ હોવાનું બેસ્ટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું.

મુંબઇના ઘણા પરાંઓમાં ઓટો અને ટેક્સીચાલકો લાંબા અતરના મુસાફરી માટે ઇનકાર કરતા જોવા મળ્યા હતા. અમૂક જગ્યાએ તો રિક્ષા- ટેક્સીવાળાઓએ બમણા- ત્રણ ગણા ભાડા માગ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.
રવિવારથી ગેસ પુરવઠો બંધ થવા લાગ્યો હતો અને મુંબઈગરાંઓએ પારાવાર હાલાકી ભોગવી હતી. પરંતુ, આટલા સમયગાળામાં કોઈ સરકારી એજન્સી મુંબઈગરાંઓની મદદે આવી ન હતી. બેસ્ટ દ્વારા વધારે બસો દોડાવવાનું કોઈ આયોજન થયું ન હતું કે રાજ્ય સરકારે પણ એસટી બસોને ફીડર રુટ પર દોડાવવા માટે ફાળવવાનું વિચાર્યું ન હતું. જે રિક્ષાઓ કે કેબ પાસે ગેસ હતો તેમણે યાત્રીઓ પાસેથી અનેકગણા પૈસા પડાવ્યા હતા પરંતુ આરટીઓ કે મુંબઈ ટ્રાફિક પોલીસને આ તકલીફોનો કોઈ અણસાર પણ આવ્યો ન હતો. સરકારમાંથી કોઈ મંત્રીઓ ંકે સંસદસભ્યો કે ધારાસભ્યો કે કોઈ નેતાઓએ રસ્તા પર રિબાતી જનતાની દરકાર કરી ન હતી.
એમજીએલ દ્વારા રવિવારથી એવું ગાણું ચાલુ રાખવામાં આવ્યું હતું કે થર્ડ પાર્ટી દ્વારા પાઈપલાઈનમાં ભંગાણ પાડવામાં આવ્યુું છે. પંરતુ, આ થર્ડ પાર્ટી એટલે કોણ એનો ફોડ છેક સુધી પાડવામાં આવ્યો ન હતો. એમજીએલ દ્વારા તેના ગ્રાહકોને પૂરતી જાણકારી અપાઈ ન હતી. તેની વેબસાઈટ આ ઘટના અંગે સદંતર મૌન હતી. સોશિયલ મીડિયા પર એક જ યાદી ત્રણ દિવસ સુધી રિપિટ થતી રહી હતી. મુંબઈના આટલાં મોટાં ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં આટલી હદે ભંગાણ પડે અને લાખો લોકો ત્રણ-ત્રણ દિવસ સુધી હેરાન થતા રહે તેની વિગતો, શું પગલાં લેવાયાં, સરકારે શું કાર્યવાહી કરી વગેરે બાબતો વિશે ચૂપકિદી સેવવામાં આવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
