મુલુંડ (વે)માં એસ.એન. રોડ સ્થિત તાંબેનગર વિસ્તારમાં રહેતા ડો. જીનલ ઠક્કરને ફિઝિયોથેરેપીમાં માસ્ટર્સ કરવા વિદેશમાં જવા માટે તમામ પ્રક્રિયા કરી આપવાનું પ્રોમિસ કરીને વિરલ પરેશ રાવલ નામના વ્યક્તિએ તેની સાથે રૂ.૨૧,૯૪,૯૧૮ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઘટનાની વિગત મુજબ જીનલને વધુ અભ્યાસ માટે વિદેશમાં જવું હતું તેથી તેને તેના પાડોશીએ વિરલનો સંપર્ક કરવા જણાવ્યું. ૨૭ ઓગસ્ટ ૨૦૨૪માં જીનલની વિરલ સાથે વાત થતાં તેણે યુ.કે.માં માસ્ટર્સ કરવા માટે વિઝા, પ્લેનની ટિકિટ તથા ત્યાંની યુનિવર્સિટીમાં શિક્ષણની રકમ તથા રહેવા-જમવાની વ્યવસ્થા માટે રૂા.૧૬ લાખનો ખર્ચ થશે એવું જણાવ્યું હતું.

જીનલને વિરલે ફોન કરીને રૂા.૭૦ હજાર કન્સલ્ટેશન ફીરૂપે મંગાવ્યા જેમાંથી તેણે રૂા.૨૦ હજાર ગુગલ પે દ્વારા પાઠવી આપ્યા હતા. ત્યારબાદ વિરલે વિઝા, યુ.કે.ની યુનિવર્સિટીમાં એડમિશન વગેરે માટે વારંવાર ફોન કરીને પૈસા મંગાવ્યા કર્યા. વિરલે એક-બે વખત જીનલને વિઝા ફેસિલિટીશન સર્વિસીસની ઓફિસની બહાર બોલાવીને તેના વિઝા અંગે પ્રોસેસ ચાલી રહી હોવાનું જણાવ્યું તેમજ તેની પાસેથી વિઝા માટે દસ્તાવેજ પણ લીધા જેથી જીનલને તેના પર વિશ્વાસ બેઠો. વિરલ હંમેશા તેને નો રિપ્લાય ઈમેઈલ આઈડી પરથી મેઈલ કરીને ટિકિટ અને વિઝા પ્રોસેસની સ્થિતિ અંગે માહિતી આપતો હતો અને એડમિશનથી લઈને અન્ય પ્રક્રિયા અંતર્ગત એકાદ મહિનાના સમયગાળામાં વિવિધ કારણોસર વિરલે જીનલ પાસેથી અમુક રકમ બેંક ટ્રાન્સફર તથા અમુક રકમ રોકડમાં લીધી જે રૂા.૨૧.૯૪ લાખની આસપાસ પહોંચી હતી.
છતાં વિઝા હાથમાં ન આવતા જીનલ કંટાળી ગઈ અને વિરલને અવારનવાર વિઝા અંગે પૂછતાં તે જીનલને ઉડાઉ જવાબો આપતો અથવા તો તેને ટાળવા માંડ્યો હતો, જેથી જીનલને શંકા આવતાં તેણે વિરલે તેને બોલાવી હતી તે વિઝા ઓફિસમાં જઈને તેના વિઝાની પ્રક્રિયા અંગે તપાસ કરતા તેના વિઝા અથવા અન્ય કોઈ પણ બાબત માટે વિરલે પ્રોસેસ ચાલુ જ ન કરી હોવાનું જાણવા મળ્યું હતું તેથી જીનલને વિરલ વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં રૂા.૨૧.૯૪ લાખની ધોખાધડી કરી હોવાનો કેસ નોંધાવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
