
ઘાટકોપર (પશ્ચિમ) સ્થિત શ્રી. પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળામાં શ્રીમતી ભૂરીબેન લક્ષ્મીચંદ ગોળવાળા ઓડિટોરિયમમાં ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. દુર્ગુણોરૂપી અંધકારને દૂર કરવા, સાધના રૂપી દીવેલ વડે દીપ પ્રજ્જવલન કરી કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિ ઉષાબહેન કતીરા, મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતા, વિરાજભાઈ શેડેકર, માધ્યમિક વિભાગનાં આચાર્યા નંદાબહેન ઠક્કર, પ્રાથમિક વિભાગના આચાર્યા આરતીબહેન પંડ્યા તેમ જ સિનિયર શિક્ષિકા નીપાબેન દોશીના હસ્તે થઈ.છેલ્લા પાંચ વર્ષથી શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક વિદ્યાર્થિનીઓ શીખે છે અને મોઢે પણ કરે છે.
પરંતુ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને ઉપદેશ રૂપે કહેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્થ સમજાવવાનો આ વર્ષે અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોઈપણ પરિસ્થિતિથી ગભરાયા વગર તેનું દ્રઢ પણે નિર્ભયતાથી સામનો કરવો જોઈએ. કોઈપણ કાર્ય ફળની આશા વગર મન દઈને કરવું. મન પર નિયંત્રણ રાખી સતત કર્મયોગ કરવો યજ્ઞીય ભાવથી, સંઘભાવનાથી કાર્ય કરવું, દરેક મનુષ્યએ પોતાના ગુણોને સમતલ રાખવા. સત્વ, રજસ અને તમસ જેવા ત્રણેય ગુણોને સમતોલ કરવા અને છેવટે જે કર્મ કરીએ તે ઈશ્વરને અર્પણ કરીએ તો આપણા યોગ અને ક્ષેમના વહનની ઈશ્વર ખાત્રી આપે જ છે.

આ વાત વિદ્યાર્થિનીઓએ ખૂબ જ સહજ ભાષામાં સમજાવી હતી.તે પછી ધો. ૫ ની સાત વિદ્યાર્થિનીઓએ “ચિન્મયા મિશન નારાયણ ગ્રુપ”ના સભ્યો સાથે “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના શ્લોકની અંતાક્ષરી રમી હતી. તે જોઈ સમગ્ર ઓડિટોરિયમના શ્રોતાગણ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. સમગ્ર સભાગૃહમાં વિધાર્થિનીઓના આ ઉત્તમ કાર્ય માટે સરાહના અને તાળીઓનો ગડગડાટ ગૂંજતો હતો. ખરેખર! શ્રીમતી ઉષાબહેન કતીરા, શ્રી વિરાજ શેડેકર અને આચાર્યા બહેન શ્રીમતી નંદાબહેન ઠક્કરની મહેનત રંગ લાવી હતી. ત્યાર બાદ મુખ્ય અતિથિઓને કાર્ડ અને તુલસી ક્યારો ભેટરૂપે આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તે પછી નંદાબહેન ઠક્કરે ઉષાબહેન કતીરા પ્રત્યે ઋણભાવ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ પોતાના મનોભાવ વ્યક્ત કર્યા અને દીકરીઓના આ ઉત્તમ કાર્યની સરાહના કરી. અંતાક્ષરીમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થિનીઓને તેમણે 1000 ₹ અને ગીતાજીના ફાયદા સમજાવનાર વિધાર્થિનીઓને 500 ₹ ભેટ આપી હતી. વિરાજ શેડેકર તરફથી ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને છત્રી અને શશીકાંતભાઈ રાજા તરફથી દરેકને 100 ₹ આપવામાં આવ્યાં હતાં.

તે પછી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે આયોજિત કરાયેલી સ્પર્ધા “ માતૃભાષામાં ભણતરનું મહત્વ જાણવાં, સમજવાં, સ્વીકારવા છતાં અપનાવતાં અટકો છો, શા માટે?” તેમાં મળેલ ઈનામોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તે પછી“એક પેડ મા કે નામ” મોહિમ અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી વંદનાબહેન પંચાલે કર્યું હતું અને આભાર વિધિ તન્વીબહેન પટેલે કરી હતી.
For more details… Contact 9322529232 / 9324483455
