મુંબઈ મહાપાલિકા (બીએમસી)એ સાયન સ્થિત ષણમુખાનંદ હોલ સામેના બંધ પડેલા સાઈકલિંગ ટ્રેકના એક ભાગને પે-એન્ડ-પાર્ક ઝોનમાં ફેરવવાની તેની પહેલને સત્તાવાર રીતે રદ કરી દીધી છે. આ નિર્ણય તાનસા પાણીની પાઇપલાઇનની ઉપર આવતી જમીનની સુરક્ષા અંગે ઊભા થયેલા ગંભીર પ્રશ્નોને કારણે લેવાયો છે.
2020માં રાજ્ય સરકાર અને બીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલ સાયનથી મુલુન્ડ સુધીના 39 કિ.મી. લાંબા સાયકલ ટ્રેકને આરોગ્યપ્રદ જીવનશૈલી અને ઈકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં તેનો ઉપયોગ ઓછો થયો અને તે અતિક્રમણ અને કચરાના ડમ્પિંગ માટેનું સ્થળ બની ગયું છે.
જગ્યા સાથે જોડાયેલા રહેવાસીઓ અને સ્થાનિક સંસ્થાઓએ શનમુખાનંદ હોલ અને ગાંધી માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારોમાં દૈનિક આવતા 2,000થી વધુ લોકોને ધ્યાનમાં રાખીને, ટ્રેકના એક ખંડને નિયંત્રિત પાર્કિંગમાં ફેરવવાની માંગ કરી હતી. જો કે, હવે તે યોજના પૂર્ણત્વે પાછી ખેંચી લેવામાં આવી છે.

બીએમસીએ વધુ એક નિર્ણાયક પગલું ભરતાં, 9 કરોડ રૂપિયાનો જાળવણી ટેન્ડર પણ રદ કરી દીધો છે. કારણ તરીકે ભંડોળની અછત બતાવવામાં આવી છે. ટ્રેકની જાળવણી માટે સીએસઆર હેઠળ ખાનગી ભાગીદારો શોધવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે.
બીએમસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, તાનસા પાઇપલાઇન પર વધારાના વજનનો સીધો દબાણ પડી શકે છે. કાયમી અથવા અસ્થાયી પાર્કિંગ પણ જાહેર પાણી પૂરવઠા માટે જોખમરૂપ બની શકે. અધિકારીએ એ પણ ઉમેર્યું કે, અગાઉ અહીં થયેલા અતિક્રમણો દૂર કરવામાં આવ્યા છે, અને હાલ ફરીથી તેમ કરવું હાઇકોર્ટના આદેશનો ભંગ ગણાશે.

બીએમસીના હાઇડ્રોલિક વિભાગે પહેલાં આ યોજના માટે શરતી મંજૂરી આપી હતી, પણ તેમના સર્વે વિભાગે સ્પષ્ટ કર્યું કે, આ સ્થળ મુંબઈ હાઇકોર્ટના 2006ના આદેશ હેઠળ આવે છે, જેમાં પાઇપલાઇનની ઉપરની જમીનના બંને બાજુ કમ સે કમ 10 મીટર બફર ઝોન ફરજિયાત રાખવાનો નિર્દેશ છે. આ બફર ઝોનમાં કોઇપણ પ્રકારનું સ્થાયી બાંધકામ કે વાહન પાર્કિંગ પ્રતિબંધિત છે.

For more details… Contact 9322529232 / 9324483455
