મુંબઈમાં ખાનગી બેન્કની સેલ્સ મેનેજર અને તેના એન્જિનિયરિંગ પતિએ AIની કમાલથી લોકલ ટ્રેનનો બોગસ સીઝન પાસ બનાવ્યો, પરંતુ ટિકિટ ચેકરની સૂઝબૂઝથી ઝડપાઈ ગયાં.
26 નવેમ્બરે આ ઘટના બહાર આવી હતી. મહિલા થાણેમાં કલ્યાણથી મુંબઈમાં દાદર જતી એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી. તે સમયે ટ્રેનમાં ટિકિટ ચેકર વિશાલ તુકારામ નવલે ચઢ્યો હતો. તે ટિકિટ તપાસતો હતો. કલ્યાણ અને ડોંબિવલી સ્ટેશન વચ્ચે ટિકિટ તપાસવા દરમિયાન મહિલા પ્રવાસી ગુડિયા ઓમકાર શર્મા (28)ને ટિકિટ બતાવવા કહ્યું હતું. શર્માએ કહ્યું કે મારી પાસે સીઝન પાસ છે, પરંતુ રેલવેના વિધિસર અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (યુટીએસ) મોબાઈલ એપ થકી તે ખોલવામાં નિષ્ફળ નીવડી હતી. પાસ બતાવવા તેણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર લિંક ખોલી હતી, પરંતુ ક્યુઆર કોડ સેકશન પણ કાર્યરત નહોતો, એમ પોલીસે જણાવ્યું હતું. આથી ટિકિટ ચેકરને શંકા ગઈ હતી.

તેણે પાસના સિરિયલ નંબરની ખરાઈ કરવા માટે મધ્ય રેલવેની હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. પ્રશાસને તેને કહ્યું કે કથિત પાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ ગયો છે. વળી, પાસ પુરુષ ઓમકાર શર્માને નામે નોંધાયેલો હોવાનું પણ જણાયું હતું.
દેખીતી રીતે જ ઓમકાર તેનો પતિ છે. આથી આ છેતરપિંડી છે એવું ધ્યાનમાં આવતાં મહિલા અને તેના 30 વર્ષીય પતિને અટકાયતમાં લેવાયાં હતાં. તેમની પૂછપરછમાં ઓમકારે કબૂલ કર્યું કે આ અત્યાધુનિક ફોર્જરી કરવા માટે તેણે પોતાના કોડિંગ જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું કે નકલી યુટીએસ પાસ ઊપજાવવા તેણે AI ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
For more details… Contact 9322529232 / 9324483455
