ઠગને વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) આપવા પર રૂ. 1.25 લાખ ગુમાવનારા શખસને આવા સંજોગોમાં બેન્કને દોષ આપી નહીં શકાય એવો આદેશ ગ્રાહક પંચે આપીને તેની ફરિયાદ નકારી કાઢી હતી. પ્રમુખ પ્રદીપ કડુ અને સભ્ય ગૌરી એમ કાપસેનો સમાવેશ ધરાવતા ઉપનગરના જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે સ્વીકાર્યું કે ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યો છે. જોકે આરબીઆઈએ સ્પષ્ટ રીતે ચોખવટ કરી છે કે જો ગ્રાહક દ્વારા બેદરકારીથી નાણાં ગુમાવવામાં આવે તો સંપૂર્ણ નુકસાન ખુદ ગ્રાહકે જ ભોગવવાનું રહેશે, એમ પંચે આદેશમાં જણાવ્યું હતું. ફરિયાદી જાન્યુઆરી 2022માં તેનું નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરતો હતો ત્યારે તેના ઈમેઈલ પર પ્રાપ્ત લિંક પર ક્લિક કરી દીધું હતું. ઈમેઈલ નેટફ્લિક્સ પરથી આવ્યો નથી તેનો તેને ખ્યાલ નહીં આવ્યો. તેણે લિંક પર ક્લિક કર્યું અને પોતાના કાર્ડની વિગતો અને એચડીએફસી બેન્ક પાસેથી ઓટીપી પ્રાપ્ત થયો, જે પણ ઠગને આપ્યો. જજ સેકંડમાં બેન્ક તરફથી એસએમએસ મળ્યો કે તેના ખાતામાંથી રૂ. 1,25,665 કપાઈ ગયા છે.

સબ્સ્ક્રિપ્શનની રકમ ફક્ત રૂ. 799 હતી. તેને ભાન થયું કે તે સાઈબર ગુનાનો ભોગ બન્યો છે અને તેથી બેન્ક અને સાઈબર પોલીસનો સંપર્ક કર્યો. બેન્કે એવું કહીને તેની ફરિયાદ બંધ કરી કે અમને તથાકથિત વ્યવહાર ઓટીપી શૅર કર્યા પછી થયો છે એવું જોવા મળ્યું છે. ઓટીપી ગોપનીય હોય છે અને ફક્ત કાર્ડધારકને જ ખબર પડે છે.એચડીએફસીના પ્રતિસાદથી સંતોષ નહીં થતાં ફરિયાદીએ પંચમાં ફરિયાદ કરી હતી. બેન્કની બેદરકારીથી નાણાંનો ઉપાડ થયો અને બેન્કની સેવામાં ખામી છે એવો આરોપ કરાયો.
બેન્કે દલીલ કરી કે ફરિયાદીએ પોતે છેતરામણી લિંક પર ક્લિક કર્યું અને તેની સર્વ ક્રિડેન્શિયલ્સ મેચ થતાં ઓટીપી ઊપજ્યો હતો, જે શૅર કરતાં બેન્કે લેણદેણ નકારવાનું કોઈ કારણ નથી. પંચે આદેશમાં કબૂલ કર્યું કે ઠગાઈ થઈ છે, પરંતુ ફરિયાદીએ પોતે ઓટીપી આપ્યો હતો. આ સંબંધમાં રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા સ્પષ્ટ કહે છે કે જો ગ્રાહકની બેદરકારીથી નુકસાન થાય તો સંપૂર્ણ નુકસાન ગ્રાહકે જ ભોગવવાનું રહેશે. આથી બેન્કના ભાગે સેવામાં ખામી નહીં કહી શકાય, એમ પંચે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
