
બાન્દરા-વર્સોવા સીલિન્કનું 29 ટકા કામ પૂરું થયું છે. હવે વર્સોવા બાજુથી પણ સમુદ્રના માર્ગ પર સ્પેન ઊભા કરવાનું કામ ચાલુ થયું છે. પશ્ચિમ ઉપનગરોમાં ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા મહત્વના આ પ્રકલ્પનું કામ હવે ઝડપી થયું છે. એટલે 2028માં બાન્દરાથી વર્સોવા પ્રવાસ ઝડપથી થઈ શકશે. આ પ્રકલ્પનો કુલ ખર્ચ 18 હજાર 120 કરોડ રૂપિયા છે. બાન્દરા-વર્સોવા સીલિન્કની કુલ લંબાઈ 17.7 કિલોમીટર છે.
મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે 17.7 કિલોમીટર લાંબા સીલિન્કનું કામ હાથમાં લીધું છે. એ અનુસાર સીલિન્ક પર કુલ 8 લેન બાંધવામાં આવશે. એમાં મુખ્ય સીલિન્ક 9.60 કિલોમીટર લાંબો છે. એ સમુદ્રમાં 900 મીટર અંદર હશે. હવે સમુદ્રમાં રસ્તાનું કામ શરૂ થયું છે. આ કામ ઝડપી બની રહ્યું છે.

અત્યાર સુધી કાર્ટર રોડ તરફથી 12 સ્પેન ઊભા કરવાનું કામ પૂરું થયું છે. વર્સોવા બાજુથી સ્પેન ઊભા કરવાના કામની શરૂઆત પંદર દિવસ પહેલાં થઈ ચૂકી છે. અત્યાર સુધી બે સ્પેન ઊભા કરવાનું કામ પૂરું થયું છે. ચોમાસાના લીધે આગામી ત્રણ મહિના સમુદ્રમાં કામ બંધ કરવામાં આવશે. જો કે એ સમયે વર્સોવા, કાર્ટર રોડ અને જુહુ બાજુના કનેક્ટરનું જમીન પરનું કામ ચાલુ રહેશે એવી માહિતી અધિકારીઓએ આપી છે. આ પ્રકલ્પનું કામ 2019માં શરૂ થયું હતું. એ સમયે ઓગસ્ટ 2025 સુધી આ પ્રકલ્પ પૂરો થવો અપેક્ષિત હતો. જો કે કોરોનાના કારણે લાગુ થયેલ લોકડાઉન અને કોન્ટ્રેક્ટર આર્થિક મુશ્કેલીમાં જવાથી આ પ્રકલ્પનું કામ રખડી પડ્યું હતું. હવે બધી અડચણ દૂર થઈ છે અને કામ ઝડપી થઈ રહ્યું છે. જો કે આ પ્રકલ્પમાં વિલંબ થવાથી હવે કામને મુદતવધારો આપવામાં આવ્યો છે. એ અનુસાર આ પ્રકલ્પ મે 2028 સુધી પૂરો થશે.
બાન્દરા કિલ્લામાં નવું કનેક્ટર
એમએસઆરડીસી બાન્દરા કિલ્લા ભાગમાં આ સીલિન્કને નવું કનેક્ટર ઊભું કરશે. એમાંથી સીલિન્ક પર આવેલા વાહન સીધા પાલી હિલ, બેન્ડ સ્ટેન્ડ અને બાન્દરા ભાગમાં જઈ શકશે. એના માટે લગભગ 1813 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એમએસઆરડીસીએ એના પ્રસ્તાવને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલ્યો છે. હવે ટૂંક સમયમાં જ એને મંજૂરી મળશે એવા ચિહ્ન છે.

