બાંદરા સ્ટેશને 160 ઝાકઝમાળભર્યાં વર્ષ પૂર્ણ કર્યાં તે નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા ‘સ્ટેશન મહોત્સવ’નું આયોજન કર્યું છે. સ્ટેશનનો સમૃદ્ધ વારસો, વર્ષોનાં વહાણાં વીતવા સાથે તેના પરિવર્તન અને તેની સાથે જનતાના રોચક જોડાણને આલેખિત કરતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જૂન- જુલાઈમાં શ્રેણીબદ્ધ ઈવેન્ટ્સનું નિયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે પ્રવાસીઓ અને જનતાને સહભાગી કરતાં અનેક કાર્યક્રમો યોજાશે. 20 જૂને વિધિસર રીતે ઉદઘાટન થશે, જે અવસરે વિશેષ ટપાલ મુદ્રાનું વિમોચન કરાશે. સ્થાનિક કળાત્મક પ્રતિભા દર્શાવતો સ્વર્ણિમ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આ મહોત્સવના ભાગરૂપે બાંદરા સ્ટેશનને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.
કળા અને હસ્તકળા સ્પર્ધા, Vlog મેકિંગ સ્પર્ધા, બાંદરાનો બેજ, જૂની યાદો વગેરે બનાવવાની સ્પર્ધા યોજાશે. કળા અને હસ્તકળા સ્પર્ધા માટે ચિત્રકળા, પેઈન્ટિંગ્સ, ડિજિટલ કળાકતિ અને ક્લે મોડેલમાં બાંદરાના વારસાની થીમ આસપાસ ક્રિયેટિવ કૃતિ બનાવીને મોકલવાની રહેશે.

Vlog મેકિંગ સ્પર્ધામાં સહભાગીઓએ ટૂંકા વિડિયો થકી સ્ટેશનનો વારસો અને પરિવર્તન પર તેમનો ધ્યેય વ્યક્ત કરવાનો રહેશે. પુરાની યાદેં ઉફક્રમમાં જનતાને બાંદરા સાથે તેમના અંગત જોડાણની યાદો તાજી કરતા ફોટો, વિડિયો અથવા વોઈસ ક્લિપ્સ શૅર કરવાના રહેશે.
સર્વ ત્રણ ઈવેન્ટ માટે એન્ટ્રી 30 જૂન સુધી મોકલી શકાશે. ચુનંદી એન્ટ્રીઓ 13મી જુલાઈએ સ્ટેશન પર પ્રદર્શિત કરાશે અને પશ્ચિમ રેલવેના વિધિસર સોશિયલ મિડિયા મંચો પર પણ સ્થાન અપાશે, એમ તેમણે જણાવ્યું હતું.
વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શો: વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શો, ફોટો પ્રદર્શન 5-6 જુલાઈએ યોજાશે, જેમાં સ્ટેશનનો ઐતિહાસિક પ્રવાસ અને મુંબઈના વિકાસમાં તેના યોગદાનને પ્રદર્શિત કરાશે. નામાંકિત હસ્તીઓ અને રેલવેના શોખીનો સાથે શ્રેણીબદ્ધ ઈન્ટરવ્યુ લેવાશે.
સ્ટેશનનાં 160 વર્ષના પ્રવાસના માનમાં પ્રતીકાત્મક એમ્બ્લેમ નિર્માણ કરવા માટે બેજ મેકિંગ પહેલ પણ યોજાશે. 27મી જુલાઈએ પૂર્ણાહુતિ થશે, જે પછી વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાશે. મુંબઈ ડિવિઝનના વિધિસર સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર સમર્પિત ગૂગલ ફોર્મ લિંક ઉપલબ્ધ છે- ઈન્સ્ટાગ્રામ પર @WerMumbai, ફેસબુક પર @MumbaiWR.

બાંદરા સ્ટેશનની વિશિષ્ટતાઓ બાંદરા સ્ટેશન ઊતરતી છતની રેખા સાથેનું અજોડ 19મી સદીનું સ્થાપત્ય સ્વરૂપ ધરાવે છે. મહારાષ્ટ્ર સરકારે તેને ગ્રેડ । હેરિટેજ માળખાનો દરજ્જો આપ્યો છે.
વિક્ટોરિયન ગોથિક અને પ્રાદેશિક શૈલીનું તે ઉત્કૃષ્ટ સ્થાપત્ય સંમિશ્રણ છે, જે તેની સાઈટ પર પ્રતિષ્ઠિત સીમાચિહન તરીકે ઊભું છે. તે 28મી નવેમ્બર, 1984ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે આ અદભુત હેરિટેજ બાંદરા સ્ટેશન ઈમારત તેના 24 વર્ષ પછી, એટલે કે, 1888માં નિર્માણ કરવામાં આવી હતી.

