બીડના શિરુર કસારા વિસ્તારના ૨૪ વર્ષીય યુવકને સોશિયલ મિડીયા ઈન્સ્ટાગ્રામ એપ પર પાકિસ્તાનના કરાચીના રહેવાસી હોવાનો દાવો કરતા એક શંકાસ્પદ યુઝરે અયોધ્યામાં શ્રી રામ મંદિરને આરડીએક્સ વડે ઉડાવી દેવાની પ્લાનમાં જોડાવવા માટે મેસેજ કર્યો હતો. જેમાં યુવકને એક લાખની ઓફર પણ કરવામાં આવી હતી. વધુમાં આ પ્લાન માટે ૫૦ લોકોની જરુર હોવાનું પણ જણાવાયું હતું. શિરુર પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
શિરુર કાસર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ૨૪ વર્ષીય સૂરજ ગાડેકર ૧૧ જૂલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ એપ પર રીલ જોઈ રહ્યો હતો. તે સમયે એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં શંકાસ્પદે અયોધ્યામાં શ્રી રામ મંદિરને આરડીએક્સ વડે ઉડાવી દેવાની ધમકી આપી હતી. વધુમાં શંકાસ્પદ પોતે પાકિસ્તાની નાગરિક છે તે વિશ્વાસ અપાવવા માટે પોતાના વાસ્તવિક સ્થળ કરાચીનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો.

આ યોજના માટે ૫૦ લોકોની જરુર છે અને તમામને એક લાખ તથા આરડીએક્સ પહોંચડાવામાં આવશે તેવી ઓફર કરવામાં આવી હતી. વધુમાં જો તને આ યોજનામાં રસ ન હોય તો આ મેસેજ અન્ય કોઈને મોકલ તે અંગે જણાવ્યું હતું. આ તમામ ઘટના બાદ યુવક સુરજે તરત જ શિરુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે શિરુર પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સંબંધિત યુઝર ખરેખર પાકિસ્તાનનો છે કે કેમ તે જાણવા માટે તપાસ ચાલુ છે. તેના લોકેશનની પૃષ્ટિ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સાયબર નિષ્ણાંતોના મદદથી શંકાસ્પદનું આઈપી એડ્રેસ અને તેનું સ્થાન શોધવામાં આવશે. વધુમાં આ અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સીઓને પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ આ અગાઉ એક યુવકે સોશિયલ મિડીયા પર અયોધ્યા શ્રી રામ મંદિરને ઉડાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ બિહારના ભાગલપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
For more details… Contact 9322529232 / 9324483455
