સમાન ટૂંકા નામનો લાભ ઉઠાવી મૃત્યુ પામેલા ગુજરાતી વ્યાવસાયિકના નામની મીરા રોડમાં આવેલી 20 એકર જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કરીને કથિત રીતે વેચવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ગુજરાતના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
કાશીમીરા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ ધર્મેશભાઈ કેશવજી શાહ, વિનુભાઈ પોપટભાઈ રવાની અને અમૃતભાઈ પ્રેમજીભાઈ રામાની તરીકે થઈ હતી. પ્રોપર્ટી એજન્ટ એવો શાહ ભાવનગરની સર્વોદય સોસાયટીનો રહેવાસી છે, જ્યારે અન્ય બે આરોપી સુરતના હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડ ખાતે રહેતા મનીષ ધરનીધર શાહે નોંધાવેલી ફરિયાદને આધારે કાશીમીરા પોલીસે જુલાઈ, 2025માં ત્રણેય આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. બે મહિનાથી પોલીસ આરોપીઓની શોધ ચલાવી રહી હતી, પરંતુ તેમની કોઈ ભાળ મળતી નહોતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદી મનીષ શાહના પિતા ધરનીધર ખીમચંદ શાહે 1978માં મીરા રોડમાં 20 એકર 35 ગૂંઠા જમીન ખરીદી હતી. જમીનના 7/12 ઉતારા પર માલિક તરીકે ધરનીધર શાહનું નામ છે અને 1994માં તેમનું નિધન થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મુંબઈના કોઈ એજન્ટ મારફત ભાવનગરના એજન્ટ ધર્મેશભાઈને આ જમીન સંબંધી માહિતી મળી હતી. ધર્મેશભાઈ કેશવજી શાહે પોતાના ટૂંકા નામ ડી. કે. શાહનો દુરુપયોગ કરી ધરનીધર ખીમચંદ શાહ (ડી. કે. શાહ)ની જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મીરા રોડની જમીનના બોગસ ઓથોરિટી લેટર અને અન્ય બનાવટી દસ્તાવેજો બનાવીને સ્પેશિયલ પાવર ઑફ એટર્ની દ્વારા સુરતના વિનુભાઈ અને અમૃતભાઈને જમીન વેચી હોવાનું દર્શાવતું એગ્રિમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસે આરોપીઓને પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. લાલચમાં આવી મીરા રોડના પેન્કર પાડા ખાતે પહોંચેલા ત્રણેય આરોપીને પોલીસે તાબામાં લીધા હતા. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
