મુંબઈ શહેરને પાણી પુરવઠો કરનારી બ્રિટિશકાળની પાણીની પાઈપલાઈન જૂની અને જર્જરીત થઈ છે. વારંવાર તેમાં થનારા ગળતરને કારણે પાણીનો મોટો વેડફાટ થતો હોય છે. આ સમસ્યા દૂર કરીને મુંબઈને વધુ સુરક્ષિત અને વિનાઅવરોધ પાણીપુરવઠો કરવા માટે કશેળી(ભિવંડી)થી મુુલુંડ જકાત નાકા દરમ્યાન અંડરગ્રાઉન્ડ વોટર ટનલનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વોટર ટનલનું કામ ઓક્ટોબર, ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજો છે.
કશેળી(ભિવંડી)થી મુલુંડ જકાત નાકા દરમ્યાન પાણીનું વહન કરવા માટે વોટર ટનલના ડ્રાફ્ટ અને બાંધકામને લગતું કામ ચાલી રહ્યું છે. આ પાર્શ્ર્વભૂમિ પર પાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ મુલુંડ જકાત નાકા પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ભાતસાનું પાણી મુંબઈ-ટુ અને મુંબઈ-થ્રી આ બે મુખ્ય પાઈપલાઈન મારફત મુંબઈ સુધી લાવવામાં આવે છે.

વધતા જતા શહેરીકરણને કારણે થાણે શહેરમાં જુદા જુદા વિકાસ કામમાં પાણીની પાઈપલાઈનને લીધે અડચણ આવી રહી છે. તેથી ઉપરોક્ત બંને પાણીની પાઈપલાઈનનું સ્તર નીચે લઈ જવા માટે થાણે મહાનગરપાલિકા દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને વિનંતી કરવામાં આવી હતી. તેમ જ મુંબઈમાં પાણીની સતત વધતી માગણીને ધ્યાનમાં રાખીને પાલિકાએ કશેળીથી મુલુંડ જકાત નાકા સુધી વોટર ટનલ બાંધવાનો નિર્ણય લીધો હતો. આ કામ સપ્ટેમ્બર, ૨૦૨૪થી પ્રગતિએ છે અને ઑક્ટોબર ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે કશેળીથી મુલુંડ જકાત નાકા દરમ્યાન ૭.૧ કિલોમીટર અંતર દરમ્યાન પાણીનું વહન કરવા માટે વોટરટનલ બાંધવામાં આવી રહી છે, જે અંતર્ગત મુલુંડ જકાત નાકા પાસે ૧૩૪ મીટર નીચે લૉન્ચિંગ શાફ્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે. તેમાંથી શાફ્ટનું ખોદકામ ૧૩૦ મીટર ઊંડાઈ સુધી પૂર્ણ થઈ ગયું છે.

તો ટનલનું ખોદકામ પૂર્ણ થયા બાદ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને બહાર લાવવા માટે કશેળી(ભિવંડી)માં ૧૨૮ મીટર ઊંડાઈએ પુન:પ્રાપ્તી શાફ્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેમાંથી શાફ્ટના ખોદકામ ૧૫ મીટર ઊંડાઈ સુધી થઈ ગયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટીબીએમની મદદથી ટનલનું ખોદકામ જુલાઈ ૨૦૨૬થી શરૂ કરવામાં આવવાનું છે.
નોંધનીય છે કે મુંબઈને મોડક સાગર, મિડલ વૈતરણા, અપર વૈતરણા, ભાતસા, તાનસા, વિહાર અને તુલસીમાંથી દરરોજ લગભગ ૩,૯૫૦ મિલ્યન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે, તેમાંથી એકલા ભાતસામાંથી લગભગ ૨,૦૦૦ એમએલડી પાણી મળે છે.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી પાણીપુરવઠા યોજનામાંની એક મુંબઈની પાણીપુરવઠા વ્યવસ્થા છે. પાણીપુરવઠા માટે વોટર ટનલનું બાંધકામ કરનારી મુંબઈ મહાનગરપાલિકા ભારતની પહેલી સ્વરાજ્ય સંસ્થા છે. તો લગભગ ૧૦૦ કિલોમીટર લંબાઈની વોટર ટનલ ધરાવનાર મુંબઈ એ વિશ્ર્વનું બીજી શહેર છે. પાણીના વિતરણ વ્યવસ્થામાં એક પ્રભાવી પર્યાય તરીકે વોટર ટનલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વોટર ટનલ મારફત પાણીનું વહન કરવાથી ગળતર તેમ જ વિતરણમાં થતા પાણીના વેડફાટ પર પ્રભાવી રીતે નિયંત્રણ મેળવી શકાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
