મુંબઈ ખાતેના મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર મેલ અને એક્સપ્રેસના પ્રવાસીઓ માટે બેગેજ તપાસ અનિવાર્ય કરવામાં આવી છે. સીએસએમટી મધ્ય રેલવેનું મુંબઈનું મુખ્ય ટર્મિનસ છે. અહીંથી દરરોજ સેંકડો મેલ અને એક્સપ્રેસ ટ્રેન છૂટે છે. જો કે આ પહેલાં સુરક્ષાના ઉપાય ઓછા હોવાથી પ્રવાસીઓનો સામાન નિયમિત તપાસવામાં આવતો નહોતો.
અનેક વખત આ સમસ્યા પ્રસારમાધ્યમોએ ધ્યાનમાં લાવી હતી. રેલવે પ્રશાસને એની નોંધ લઈને થોડા દિવસ પહેલાં મુખ્ય પ્રવેશદ્વાર પર બે બેગેજ સ્કેનર મૂક્યા છે.
સુરક્ષાની ઉપાયયોજનામાં લોકલના પ્લેટફોર્મ પરથી અને ટિકિટ કાઉન્ટર પરથી એક્સપ્રેસના પ્લેટફોર્મ પર જતા પ્રવેશદ્વાર પર બેરિકેડ્સ લગાડવામાં આવ્યા છે. આ નવી ઉપાયયોજનાના લીધે બેગની તપાસ પૂરી થયા પછી જ પ્રવાસીઓને પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે જેથી ટર્મિનસમાં પ્રવાસીઓની સુરક્ષિતતા વધશે.

રેલવે અધિકારીઓના મતે પ્રવાસીઓને વૈદ્ય ટિકિટ આપવી જેટલું મહત્વનું છે એટલું જ તેમના સામાનની તપાસ કરવી જરૂરી છે. પ્રવાસીઓ બેગમાં કપડા ઉપરાંત કોઈ શંકાસ્પદ વસ્તુ તો લઈ જતા નથી ને એ સુનિશ્ચિત કરવું સુરક્ષાની દષ્ટિએ જરૂરતની બાબત છે. તેમ જ ક્લોકરૂમમાં મૂકવામાં આવતા સામાનની તપાસ પણ કરવામાં આવી રહી છે જેથી ટર્મિનસ પરિસરની સુરક્ષા વધુ મજબૂત થશે.
સુરક્ષા વધુ અસરકારક : આ પદ્ધતિ સીએસએમટીમાં સુરક્ષાને ઉંચો દરજ્જો આપવાના ઉદ્દેશથી લાગુ કરવામાં આવી છે. બેગેજ સ્કેનિંગ સહિત સ્ટિકર લગાડવાની પદ્ધતિના લીધે પ્રવાસીઓને તેમના સામાનની તપાસ પૂરી થયાની તરત જાણ થાય છે અને સુરક્ષા વધુ અસરકારક બને છે એમ રેલવે પ્રશાસને જણાવ્યું છે.
આ ઉપાયયોજનાને લીધે સીએસએમટી પર પ્રવાસીઓનો વિશ્વાસ વધશે, પ્રવાસ વધુ સુરક્ષિત થશે અને મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓ માટેની સુવિધા સુધરશે. ભવિષ્યમાં આ નિયમ વધુ વિકસિત કરીને મુંબઈના મહત્વના ટર્મિનસ પર પ્રવાસીઓની સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવશે એવી માહિતી રેલવે પ્રશાસને આપી છે.
ટ્રાફિકમાં 30 ટકા ઘટાડો : ગયા વર્ષે પરિવહન પોલીસે કરેલા સર્વેક્ષણ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરિસરના ટ્રાફિકમાં લગભગ 30 ટકા ઘટાડો થયો છે. મેટ્રો-3 શરૂ થયા પછી બેસ્ટ બસ અને શેર ટેક્સીનો ઉપયોગ પણ ઓછો થયાનું સર્વેક્ષણમાં જણાયું છે.

લગભગ 45 હજાર પ્રવાસીઓ દરરોજ સીએસએમટી અને આસપાસના સ્ટેશનથી મેટ્રો-3 રૂટનો ઉપયોગ કરે છે. જેજે ફ્લાયઓવર, મહાપાલિકા માર્ગ, હજારીમલ સોની માર્ગ અને ડી.એન. રોડ માર્ગ પરના ટ્રાફિકજામમાં નોંધપાત્ર સુધારો થયો છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
