અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ સલમાન ખાને મુંબઈમાં પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. બીજી તરફ અક્ષય કુમાર અને વિષ્ણુ માંચુ (પ્રોડ્યૂસર)એ પણ ઇન્દોરમાં ‘કનપ્પા’ ફિલ્મનો ટ્રેલર લોન્ચ કાર્યક્રમ રદ કર્યો છે.
સલમાન ખાન ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL)નો નવો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. આ કારણે આજે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી. પરંતુ સલમાનને આ વિમાન દુર્ઘટનાની માહિતી મળતાં જ તેણે આ કાર્યક્રમ રદ કરી દીધો.
આ દરમિયાન કહેવામાં આવ્યું કે, દુઃખદ અકસ્માતના સમાચાર આપણને બધાને મળ્યા છે. ઇન્ડિયન સુપર ક્રોસ રેસિંગ લીગ અને સલમાન ખાન આ મુશ્કેલ સમયમાં દેશની સાથે ઉભા છે. આ અકસ્માતથી પ્રભાવિત પરિવારો સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે આ કાર્યક્રમ હવે પછીથી યોજાશે.

ફિલ્મ ‘કન્નપ્પા’નું ટ્રેલર 13 જૂને લોન્ચ થવાનું હતું. તે જ દિવસે ઇન્દોરમાં એક પ્રી-રિલીઝ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અકસ્માતને કારણે, આ ઇવેન્ટ પણ રદ કરવામાં આવી છે અને ટ્રેલર રિલીઝ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ફિલ્મ ‘કન્નપ્પા’માં સાઉથ સ્ટાર મહેશ બાબુ, અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ, રઘુ બાબુ, પ્રભાસ અને મધુ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.
