ભારત સહિત વિશ્વભરના બજારોમાં કડાકો, બે દિવસમાં ૯ ટ્રિલિયન ડોલરનું ધોવાણ, સેન્સેક્સ ૨૨૨૭ પોઈન્ટ તૂટ્યો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આકરા ટેરિફ અને ચીનની તેની સામેની તીવ્ર પ્રતિક્રિયાને પગલે વિશ્વભરના શેરબજારોમાં ભારે ખળભળાટ જોવા મળ્યો છે. સોમવારે ભારતીય શેરબજારમાં પણ કડાકો બોલાયો હતો અને સેન્સેક્સ ૨,૨૨૭ પોઈન્ટના મોટા ઘટાડા સાથે ૭૩,૧૩૭.૯૦ પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ ૭૪૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને તે ૨૨,૧૬૧.૬૦ પર સ્થિર થયો હતો.
આ પહેલા શુક્રવારે અમેરિકન શેરબજારમાં પણ ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500માં ૬ ટકા, ડાઉ જોન્સમાં ૫.૫ ટકા અને નાસ્ડેકમાં ૫.૮ ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. આ પરિસ્થિતિની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે અને માત્ર બે દિવસમાં જ વિશ્વભરના બજારોમાંથી અંદાજે ૯ ટ્રિલિયન ડોલરનું મૂડી ધોવાણ થયું છે.

ચીને પણ અમેરિકાથી આવતા તમામ માલસામાન પર ૩૪ ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરી છે, જે ૧૦ એપ્રિલથી અમલમાં આવશે. આ ઘટનાક્રમને પગલે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. યુએસ ક્રૂડ ઓઈલના ભાવ પણ પ્રતિ બેરલ ૬૦ ડોલરથી નીચે આવી ગયા હતા અને ડોલરનું મૂલ્ય ઘટીને ૧૪૫.૯૮ યેન થયું હતું.
ભારતીય શેરબજારમાં સોમવારે શરૂઆતથી જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. દિવસના ટ્રેડિંગ દરમિયાન બંને મુખ્ય ઇન્ડેક્સ લગભગ ૫ ટકા સુધી ગગડી ગયા હતા, જોકે અંતે થોડી રિકવરી જોવા મળી હતી. ટાટા સ્ટીલમાં સૌથી વધુ ૭.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો, ત્યારબાદ એલએન્ડટી ૫.૮૮ ટકા અને ટાટા મોટર્સ ૫.૫૬ ટકા તૂટ્યા હતા. ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી વધુ ૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે આ સેક્ટર યુએસ પર વધુ નિર્ભર છે. આ ઉપરાંત, મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ ૪થી ૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વિદેશી બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૭.૧ ટકા તૂટ્યો હતો, જે છેલ્લા ઘણા વર્ષોનો સૌથી મોટો ઘટાડો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૫.૫ ટકા ઘટ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સર્કિટ બ્રેકર લગાવવાની ફરજ પડી હતી. તાઇવાનના બજારમાં તો ૯.૮ ટકાનો કડાકો બોલાયો હતો, જેના કારણે શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. સિંગાપોરમાં બજાર ખુલતાની સાથે જ ૮.૫ ટકા તૂટી ગયું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાનો એએસએક્સ ૨૦૦ ઇન્ડેક્સ ૬.૩ ટકા ઘટીને છેલ્લા ૧૫ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
ગલ્ફ દેશોના શેરબજારમાં પણ આ કડાકાની અસર જોવા મળી હતી. સાઉદી અરેબિયાના શેરબજારમાં ૬.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે કોવિડ સમયગાળા પછીનો સૌથી મોટો ઘટાડો છે. વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની અરામકોના શેરમાં પણ ૬.૨ ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે કંપનીના બજાર મૂલ્યમાં ૧૩૩ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બથી વૈશ્વિક અર્થતંત્રમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં બજારની સ્થિતિ પર સૌની નજર રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
