નોકરીને બદલે વડોદરા કેમ પહોંચ્યો, ટ્રેનની અડફેટે કેમ આવ્યો તે રહસ્ય
વિરાર વેસ્ટમાં રહેતો કચ્છી વાગડ સમાજનો ૨૬ વર્ષનો યુવક નિર છાડવા સોમવારે સવારે ઘરેથી કંપનીમાં જોબ પર જવા માટે નીકળ્યા બાદ સોમવારે રાતે છેક વડોદરામાં રેલવે ટ્રેક પર ફાસ્ટ ટ્રેનની ટક્કરથી તેનું મોત નીપજ્યું હતું. ઘરેથી નોકરીએ જવા નીકળેલો નીર વડોદરા કેવી રીતે કયા સંજોગોમાં પહોંચ્યો અને ટ્રેન હેઠળ કેવી રીતે આવી ગયો તે અંગે ભેદભરમ સર્જાયા છે. આ યુવકનાં હજુ ત્રણ-ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. વડોદરા રેલવે પોલીસ દ્વારા તેનાં મોતનાં કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
વડોદરાના અહેવાલ મુજબ વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેનની ટક્કર વાગતા એક યુવકને ગંભીર ઇજા થઇ હોવાનો મેેેસેજ મળતા રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટ્રેક પરથી મૃતદેહ બહાર લાવી તપાસ કરતા તેની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ટ્રેકથી થોડે દૂર એક બેગ મળી હતી. તેના આધારે હે.કો. મીઠાભાઇએ તપાસ કરતા મૃતકનું નામ નિર મુકેશભાઇ છાડવા, ઉં.વ.૨૬ હોવાનું જાણવા મળ્યું હતુ. વડોદરા પોલીસની માહિતી અનુસાર તેનું સરનામું બોરીવલીનું દર્શાવાયું હતું. જોકે, વાસ્તવમાં તે વિરાર વેસ્ટમાં રહેતો હોવાનું કન્ફર્મ થયું હતું.

પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તેના પત્નીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, નિર છાડવા અને તેની પત્ની મૂળ કચ્છના વતની છે. હજુ ત્રણ-ચાર મહિના પહેલા જ તેઓના લગ્ન થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ નિર છાડવા કોઈ કિચન બનાવતી કંપનીમાં જોબ કરે છે, સોમવારે તે તેના વિરાર-વેસ્ટમાં એ-૭૦૩, વિઠ્ઠલ હરિ ટાવરના નિવાસસ્થાનેથી સવારે કંપનીમાં જોબ કરવા માટે ટીફીન લઈને નિકળ્યો હતો. પરંતુ તે નોકરીના બદલે કંઈ રીતે વડોદરા સુધી પંહોચી ગયો તે વિશે પોલીસ કડીઓ મેળવી રહી છે.
નિર વડોદરનાં વિશ્વામિત્રી રેલવે સ્ટશેન પાસે ડાઉન લાઇનની કોઇ ફાસ્ટ ટ્રેન સાથે ટકરાયો હતો, અને તેની બોડી ઝાડી વિસ્તારમાંથી સોમવારે રાત્રે શરીર પર ગંભીર ઈજાઓ સાથે રેલવે પોલીસને મળી આવી. પોલીસને નિર છાડવા પાસેથી આઈડી કાર્ડ, ચેઈન અને બે મોબાઈલ અને એક ટીફીન મળી આવ્યા હતા અને તેના આધારે તેના પરિવારને જાણ કરાઈ હતી.

પરિવારના નજીકના લોકોના જણાવ્યા અનુસાર મૂળ કચ્છના સામખીયારીના વતની ે નિર મુકેશ છાડવાના હજુ ત્રણ મહિના પહેલા જ ધર્મી સાથે લવ મેરેજ થયા હતા. જો કે બંને ખુશખુશાલ હતા પરંતુ કહેવાય છે કે પરિવારજનોને આ લગ્ન સામે વાંધો હતો અને તેથી નિર બેચેન રહેતો હતો. નિરનો મૃતદેહને વડોદરાથી એમ્યુલન્સ મારફતે મંગળવારે રાત્રે વિરાર લાવવામાં આવ્યો હતો, અને તેની રાત્રે અંતીમવિધી યોજાઈ હતી.
ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો
આ વિશે માહિતી આપતાં નિરના કાકા ભરત છાડવાએ જણાવ્યું હતું કે, અમને સોમવારે રાતે સાડા આઠ વાગ્યે આ ઘટના અંગે જાણ થઈ હતી. નિર તેના માતાપિતાનો એકનો એક દિકરો હતો. અચાનક તેનાં અવસાનથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડયું છે અને તમામ સ્વજનો હાલ ભારે આઘાતમાં છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
