આઈસીસી મહિલા વર્લ્ડ કપની ફાઈનલ નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ભારત અને દ.આફ્રીકા વચ્ચે રમાઈ જેમાં ભારતે 52 રને જીત મેળવી. આ ફાઈનલમાં કેપ્ટન હરમનપ્રીતનો એક નિર્ણય ગેમચેન્જર બની ગયો.
ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકાની ટીમને 52 રને હરાવીને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીતી. રવિવારે નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટોર્ટ્સ એકેડેમીમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રીકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ખુબ મહત્વનો સાબિત થયો. દ.આફ્રીકાની ટીમ 45.3 ઓવરમાં 246 રન પર જ સમેટાઈ ગઈ. ભારતીય મહિલા ટીમે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે દ.આફ્રીકાની ટીમનું સપનું આ વખતે પણ રોળાઈ ગયું.
ખિતાબી મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીતનો એક નિર્ણય ખુબ જ ઐતિહાસિક સાબિત થયો. હરમને મેચના મહત્વના વળાંક પર પાર્ટટાઈમ સ્પિનર શેફાલી વર્માને બોલ પકડાવ્યો. વાત જાણે એમ હતી કે રનચેઝમાં દ.આફ્રીકાની જ્યારે બીજી વિકેટ 62 રનના સ્કોર પર પડી તો ત્યારબાદ કેપ્ટન લોરા વોલમાર્ટ અને સુને લુસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 52 રનની પાર્ટનરશીપ થઈ. આ ભાગીદારીએ ભારતીય ટીમનું ટેન્શન વધારી દીધુ. આ ભાગીદારીને તોડવા માટે શેફાલીને 20મી ઓવર બાદ બોલિંગના મોરચે લાવવામાં આવી. શેફાલીએ પોતાની ઓવરના બીજા જ બોલ પર સુને લુસને કોટ એન્ડ બોલ કરી નાખી. આગામી ઓવરના પહેલા જ બોલે તેણે એનેકે બોશને પણ પેવેલિયન ભેગી કરી. આ બે વિકેટોએ ફાઈનલમાં સાઉથ આફ્રીકાનું મોમેન્ટમ તોડી નાખ્યું.
હરમને કેમ શેફાલીને આપી બોલીંગ?
ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીતે મેચ બાદ જણાવ્યું કે શેફાલી વર્માને બોલિંગ આપવાનો નિર્ણય તેને આંતરિક અહેસાસના આધારે લીધો. હરમનપ્રીતે કહ્યું કે તેમનું દિલ કહેતું હતું કે આજનો દિવસ શેફાલીનો છે. હરમનપ્રીતે કહ્યું કે મારું મન કહેતું હતું કે શેફાલીને એક ઓવર આપવી જોઈએ. જ્યારે મે શેફાલીને પૂછ્યું કે શું તે તૈયાર છે તો તેણે તરત હાં માં જવાબ આપ્યો. તે હંમેશા બોલથી ટીમ માટે યોગદાન આપવા માંગતી હતી અને તેની એક ઓવરે મેચનું પાસું પલટી નાખ્યું.
હરમનપ્રીતે એમ પણ જણાવ્યું કે જ્યારે શેફાલી વર્માએ ટીમ જોઈન કરી હતી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે કદાચ તેણે 2-3 ઓવર ફેંકવી પડે. ત્યારે શેફાલીએ કહ્યું હતું કે જો તમે મને બોલ આપશો તો હું ટીમ માટે 10 ઓવર પણ ફેંકીશ. હરમને કહ્યું કે શેફાલીની આ નીડરતા અને ટીમ માટે કઈક કરી દેખાડવાનો જુસ્સો જ હતો જેણે મને તેને આ તક આપવા માટે પ્રેરિત કરી અને આ દાંવ સંપૂર્ણ રીતે સફળ રહ્યો. ભારતની જીતમાં શેફાલીની ઓવર અને હરમનનો આ નિર્ણય બંને હંમેશા માટે યાદગાર રહેશે. કારણ કે તેણે વર્લ્ડ કપ ફાઈનલની કહાની પલટી નાખી.

શેફાલી વર્માએ ફાઈનલમાં 7 ઓવર ફેંકી જેમાં 36 રન આપીને 2 વિકેટ ઝડપી. શેફાલીએ આ મેચમાં બેટિંગથી પણ જોરદાર પ્રદર્શન કર્યું અને 78 બોલમાં 87 રન કર્યા. જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. શેફાલી પ્લેયર ઓફ ધ મેચ બની. શેફાલી વર્લ્ડ કપ સ્ક્વોડનો ભાગ નહતી પરંતુ પ્રતિકા રાવલ ઈજાગ્રસ્ત થયા બાદ નોકઆઉટ મેચોમાં તે ભારતીય ટીમમાં સામેલ થઈ હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
