મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સ્વબળે લડવાનો નિર્ણય જાહેર કરનાર કોંગ્રેસ હવે તેના જૂના સાથી શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને (શરદચંદ્ર પવાર જૂથ) સાથે લેવા પ્રયત્નશીલ જોવા મળી રહી છે. કોંગ્રેસ સાંસદ તથા મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષા વર્ષા ગાયકવાડે બુધવારે શરદ પવાર સાથે બેઠક કરી અને મહાપાલિકા ચૂંટણી એકસાથે લડવાનો પ્રસ્તાવ મૂક્યો. ચર્ચા અત્યંત સકારાત્મક રહી, એમ તેમણે જાહેર કરતાં રાજકીય ચર્ચાઓને વધુ ગતિ મળી છે, શું શરદ પવાર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે? એવો સવાલ થઈ રહ્યો છે.
કોંગ્રેસે ગયા અઠવાડિયે મહાપાલિકા ચૂંટણી સ્વબળે લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે પક્ષ પોતાના ગઠબંધનના વિકલ્પો ગોઠવી રહ્યો છે. ગાયકવાડે જણાવ્યું કે, અગાઉ પણ મુંબઈમાં કોંગ્રેસ–રાષ્ટ્રવાદી ગઠબંધન સફળ રહ્યું છે, અને લોકશાહી, બંધારણવાદી મૂલ્યો ધરાવતા બંને પક્ષોએ એકસાથે ચૂંટણી લડવી જોઈએ. ટ્રાફિક, ખરાબ રસ્તાઓ, પાણી, પ્રદૂષણ અને મહાપાલિકામાંના ભ્રષ્ટાચાર જેવા નાગરિકોના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેવા જોઈએ, નહીં કે ધર્મ, જાતિ, ભાષાના વાદ.

ગાયકવાડે વધુમાં જણાવ્યું કે, અમારી પવાર સાહેબ સાથે ખૂબ સારી ચર્ચા થઈ છે. આવતા અઠવાડિયે બીજી મુલાકાત થશે. મુંબઈની એકતા જળવાય અને સમતા, બંધુતા, ન્યાયસ્વાતંત્ર્યના બંધારણીય મૂલ્યો અખંડ રહે એ જ આપણા સહકારનો આધાર છે. તે દરમ્યાન ગાયકવાડે મનસે સાથે ગઠબંધનના પ્રશ્નને ફરીથી નકારી કાઢ્યું. તાજેતરમાં ઠાકરે ભાઈઓ (ઉદ્ધવ ઠાકરે–રાજ ઠાકરે) વચ્ચે થયેલા રાજકીય સાનિધ્યને તેઓએ શુભેચ્છા આપી, પરંતુ સ્પષ્ટ કર્યું કે, દબાણની રાજનીતિ અથવા કાયદો હાથમાં લેતી રાજકીય શક્તિઓ સાથે કોંગ્રેસ જઈ શકે એવું નથી.આ સમગ્ર રાજકીય હલચલ વચ્ચે રાજકીય વિશ્લેષકો માને છે કે, જો કોંગ્રેસ અને શરદ પવાર જૂથ એક થાય તો મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો રાજકીય પડકાર ઊભો થઈ શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455
