કોમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (સીએનજી) પુરવઠો બંધ થઈ જતાં મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં સોમવારની સવારથી જ મુસાફરી સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ. ઓફિસ જનારાઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણા લોકોને સમયસર નિર્ધારિત સ્થાન સુધી પહોંચવા માટે વધુ ભાડું ચૂકવવું પડ્યું, જ્યારે કેટલાક મુસાફરોએ લાંબે સુધી ચાલીને અથવા મેટ્રોમાં ભીડનો સામનો કરીને મુસાફરી પૂરી કરી. ઉલ્લેખનીય છે કે, રવિવાર બપોરથી મુખ્ય સ્ટેશનમાંથી શહેરના સીએનજી પમ્પ સ્ટેશનો પર અચાનક સીએનજી પુરવઠો બંધ થઈ ગયો હતો.
આરસીએફ કમ્પાઉન્ડની અંદર ગેઇલ (જીએઆઈએલ) ની મુખ્ય ગેસ પાઇપલાઇનને થર્ડ પાર્ટી દ્વારા નુકસાન થતાં મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ)નું વડાલા સિટી ગેટ સ્ટેશન બંધ થઈ ગયું. આ સ્ટેશન મુંબઈ મહાનગર વિસ્તારમાં સીએનજી પુરવઠો પૂરું પાડતું મુખ્ય કેન્દ્ર છે. એમજીએલે તેના નિવેદનમાં જણાવ્યું કે ઘરેલુ પીએનજી પુરવઠો પ્રાથમિકતા અનુસાર જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે ઔદ્યોગિક તથા વાણિજ્યિક ગ્રાહકોને વૈકલ્પિક ઇંધણ અપનાવવાનો સૂચન આપવામાં આવ્યું છે. પરંતુ સીએનજી સેવા ક્યારે સામાન્ય થશે તેની સમયરેખા કંપની આપી શકી નથી.

રાતભર પમ્પ સ્ટશેનોને સીએનજી ન મળતાં શહેરની હજારો ઓટો- રિક્ષા, ટેક્સી અને એપ-આધારિત કેબ સોમવારે રસ્તાઓ પર ઊતરી જ ન શકી કાં તો સીએનજી સ્ટેશનો પર લાંબી લાંબી કતારોમાં ઊભેલી જોવા મળી હતી, જેને કારણે ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઈ હતી. ઘણા ડ્રાઇવરોનું કહેવું હતું કે રવિવારે સાંજ સુધી બાકી રહેલું ઈંધણ ખતમ થઈ ગયું હતું અને નવો પુરવઠો ન મળતાં તેઓ ફરી સેવા શરૂ કરી શક્યા નહોતા. પરિણામે બેસ્ટ બસોમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી. કુર્લા જેવા સૌથી વ્યસ્ત પરિવહન કેન્દ્રોમાં સવારે વિદ્યાર્થીઓ, ઓફિસ જનારાઓ, હોસ્પિટલો અને બીકેસી તરફ જતાં મુસાફરોને ભારે અફરાતફરીનો સામનો કરવો પડ્યો.
એરપોર્ટથી લઈને મુખ્ય માર્ગો સુધી અફરાતફરી એરપોર્ટ પર ટેક્સી સેવા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરો લાંબી લાઇનોમાં ઊભા જોવા મળ્યા અને અંતે ઘણા લોકોએ નજીકના મેટ્રો સ્ટેશન સુધી ચાલીને જઈ મેટ્રો પકડી. બીજા તરફ, અનેક સ્થળોએ રસ્તા ખોદકામને કારણે પહેલેથી જ ટ્રાફિક ધીમો હતો, તેના પર ઓટો-ટેક્સીઓ ગાયબ થઈ જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની. સોશિયલ મીડિયા યુઝરો દ્વારા ટ્રાફિક પોલીસને અપીલ કરવામાં આવી કે સાંકડી લેનમાં 3-વ્હીલર અને 4-વ્હીલરની અવરોધક રીતે પાર્કિંગને અટકાવવામાં આવે. એકંદરે, સીએનજી પુરવઠાના આ અચાનક વિક્ષેપે સોમવારના મુંબઈના દૈનિક જીવનને થોભાવી દીધું અને હજારો મુંબઈકરોને ભારે મુસાફરી ખર્ચ અને માનસિક તણાવ સહન કરવો પડ્યો.
આજે ગેસ પુરવઠો પૂર્વવત થશે દરમિયાન એમજીએલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે ગેસ પુરવઠો મંગળવારે પુનઃસ્થાપિત કરવા પ્રયાસ ચાલુ છે. અમે ઘરેલુ પીએનજી ગ્રાહકોને પુરવઠો અવિરત ચાલતો રહે તેની હાલમાં ખાતરી રાખી રહ્યા છીએ. જોકે સીજીએસ વડાલામાં ગેસ પુરવઠો મળવાનું બંધ થતાં એમજીએલ પાઈપલાઈન નેટવર્ક, મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં અમુક સીએનજી સ્ટેશનો કાર્યરત નથી. અમારા હાલમાં 389 સીએનજી સ્ટેશન છે, જેમાંથી 225 કાર્યરત છે.

સીમિત પંપો પર જ સપ્લાય મુંબઈ ટ્રાફિક પોલીસએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે સીએનજી ફક્ત ચોક્કસ પંપોગોરેગાંવ, ઘાટકોપર, ગોરાઈ, અંધેરી, પ્રતિક્ષા નગર, માગાથાણે, દેવનાર, સેન્ટ્રલ ડેપો અને પોઈસર પર જ ઉપલબ્ધ છે, અને તે પણ તેમના માટે જ, જેમની પાસે સીએનજી એપ છે.
For more details… Contact 9322529232 / 9324483455
