આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપીને અનેક સાથે છેતરપિંડી કરનારા એક અનધિકૃત કોલ સેંટર પર મુલુંડ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે કોલ સેંટર ચલાવતા પાંચ જણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ અને અન્ય સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
છેલ્લા થોડા દિવસથી મુલુંડ કોલોની પરિસરમાં કેટલાક જણ બનાવટી કોલ સેંટરના માધ્યમથી નાગરિકોની છેતરપિંડી કરતા હોવાની માહિતી મુલુંડ પોલીસને મળી હતી. આ માહિતીની ખાતરી કરીને પોલીસે આ કોલ સેંટર પર દરોડો પાડ્યો હતો. એક ઘરમાં અનધિકૃત રીતે કોલ સેંટર ચલાવવામાં આવતું હોવાનું નિષ્પન્ન થયું હતું. આ પ્રકરણે પોલીસે પાંચ જણને તાબામાં લીધા હતા.

પોલીસે તેમની પાસેથી બે લેપટોપ, 11 મોબાઈલ, રોકડ રકમ અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. આરોપીઓ નાગરિકોને ફોન કરીને સંપર્ક સાધતા તથા મેસેજ મોકલીને આંતરરાષ્ટ્રીય બેંક તરફથી લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપતા. લોન લેવા માટે કોઈ તૈયાર થાય ત્યારે વિવિધ શુલ્ક પેટે તેની પાસેથી મોટી રકમ લેવામાં આવતી હતી. લોન મંજૂર થયાના બનાવટી દસ્તાવેજ મોકલવામાં આવતા હતા. આમ આરોપીઓએ અનેક જણ સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાનો શક પોલીસને છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

For more details… Contact 9322529232 / 9324483455
