મંગળવારે બાંદરા સ્થિત બાળગંધર્વ રંગમંદિરમાં મુંબઈ મહાપાલિકા (બીએમસી) ચૂંટણી માટેની વોર્ડ અનુસાર આરક્ષણની લોટરીનાં પરિણામજાહેર કરવામાં આવ્યાં. ખાસ વાત એ છે કે શાળાના નાના વિદ્યાર્થીઓએ લોટરી કાઢીને વોર્ડ અનુસાર આરક્ષણ જાહેર કર્યું હતું.
આ આરક્ષણ મુજબ મુંબઈ મહાપાલિકાના કુલ 227 વોર્ડમાંથી 114 વોર્ડ મહિલાઓ માટે આરક્ષિત રહેશે. અનુસૂચિત જાતિ (એસસી) માટે 15 વોર્ડ રાખવામાં આવ્યા છે, જેમાંથી 8 વોર્ડ મહિલાઓ માટે હશે. અનુસૂચિત જનજાતિ (એસટી) માટે 2 વોર્ડમાંમાંથી 1 વોર્ડ મહિલા ઉમેદવાર માટે આરક્ષિત છે. જ્યારે ઓબીસી માટે કુલ 61 વોર્ડ રાખવામાં આવ્યા છે, જેમાંથી 31 મહિલાઓ માટે આરક્ષિત છે. બાકીના 61 વોર્ડ સામાન્ય વર્ગ માટે રહેશે, જેમાંથી 31 વોર્ડ સામાન્ય વર્ગની મહિલાઓ માટે રાખવામાં આવ્યા છે.
આ નવી આરક્ષણ યાદીથી અનેક ભૂતપૂર્વ નગરસેવકોને મોટો ફટકો લાગ્યો છે. જે વોર્ડ અગાઉ સામાન્ય વર્ગ માટે ખુલ્લા હતા, તે હવે ઓબીસી અથવા મહિલા ઉમેદવાર માટે આરક્ષિત થયા છે, જેના કારણે ઘણા અનુભવી નગરસેવકોને હવે પોતાનો વિસ્તાર છોડીને અન્યત્રથી ચૂંટણી લડવી પડશે અથવા સ્પર્ધા જ છોડવી પડશે.

આરક્ષણમાં આ બધાને ફટકો પડ્યો : વોર્ડ નં. 133 પરમેશ્વર કદમ, 183 ગંગા માને, 147 અંજલી નાયક, 186 વસંત નકાશે, 155 શ્રીકાંત શેટ્યે, 118 ઉપેન્દ્ર સાવંત, 151 રાજેશ ફુલવારિયા, 189 હર્ષદા મોરે, 208 રમાકાંત રહાટે, 72 પંકજ યાદવ, 170 કપ્તાન મલિક, 176 રવી રાજા (બીએમસી-ભૂતપૂર્વ વિરોધી પક્ષ નેતા), 191, વિશાખા રાઉત, 108 નીલ સોમૈયા, 117 સુવર્ણા કારંજે, 171 સાન્વી ટાંડે, વોર્ડ નંબર 1 તેજસ્વિની ઘોસાલકર, 226 હર્ષદા નાર્વેકર, 182 મિલિંદ વૈદ્ય, 87 વિશ્વનાથ મહાડેશ્વર, 153 અનિલ પાટણકર, 171 સદાનંદ પરબ અને 193 હેમાંગી વરળીકર આ તમામ બેઠક હવે મહિલા ઓપન તરીકે આરક્ષિત થતાં આ તમામને ફટકો પડ્યો છે.
જોકે બીએમસીની છેલ્લી ટર્મના મેયર કિશોરી પેડણેકરનો વોર્ડ 199 મહિલા ઓપન જાહેર થયો, એટલે તેમનો માર્ગ ખુલ્લો રહ્યો છે. આ નવી વોર્ડ અનુસાર લોટરીથી સ્પષ્ટ થયું છે કે આવનારી બીએમસી ચૂંટણી 2025માં રાજકારણનો પાટો ફરીથી ગોઠવાઈ શકે છે. અનેક વોર્ડના પત્તા બદલાતા પક્ષોને નવી વ્યૂહરચના ઘડવી પડશે.
ગુજરાતી નગરસેવકોની મુશ્કેલી વધશે ભાજપના ઉત્તર મુંબઈના નગરસેવકો પૈકીના વોર્ડ નંબર 2 જગદીશ ઓઝા, વોર્ડ નંબર 8 હરીશ છેડા, વોર્ડ નંબર 15 પ્રવિણ શાહની બેઠક જનરલ પુરૂષમાંથી બદલાઈ છે, જ્યારે વોર્ડ નંબર 35 સેજલ દેસાઈ અને વોર્ડ નંબર 36 દક્ષા પટેલની મહિલા અનામતમાંથી ઓપન જનરલ બેઠકમા ફેરવાતા આ ભૂતપૂર્વ નગરસેવકોની બેઠકો ફરેવવી પડશે.

For more details… Contact 9322529232 / 9324483455
