મુંબઈમાં બુધવારે સવારે વડાલા કાર ડેપોની બહાર ટ્રાયલ રન દરમિયાન મુંબઈ મોનોરેલની એક રેક પાટા પરથી ઊતરી જતા અકસ્માત સર્જાયો. આ ઘટનામાં મોટરમેનને ઈજા થઈ હતી, જેને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અધિકારીઓ મુજબ, સવારે લગભગ 9.30 વાગ્યે મેડા સર્વો ડ્રાઈવ્સ કંપની દ્વારા બનેલી નવી મોનોરેલ રેકનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રેકને એક ગાઈડવે બીમ પરથી બીજા બીમ પર ખસેડવામાં આવી રહી હતી ત્યારે તે પાટા પરથી સરકી ગઈ. મોનોરેલ સિસ્ટમમાં ગાઈડવે બીમ ટ્રેનના ટ્રેક જેવી જ ભૂમિકા ભજવે છે.
આ દુર્ઘટના એટલી તીવ્ર હતી કે રેકનો એક કોચ બીમ પરથી નીચે ખસી ગયો અને તેના અંડરકેરેજને ગંભીર નુકસાન પહોંચ્યું. રેકનું એલાઇનમેન્ટ પણ બગડી ગયું. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવકાર્ય શરૂ કર્યું.

મોનોરેલ વર્કર્સ એસોસિયેશનના અધ્યક્ષ ચંદ્રકાંત કાકડે અનુસાર, આ દુર્ઘટના માટે સ્વિચ મેકેનીઝમમાં સર્જાયેલી ખામી કારણભૂત હોવાની આશંકા છે. આ પરીક્ષણ માટેની રેક હતી, સદભાગ્યે તેમાં મુસાફરો નહોતા, નહિતર હાનિ વધુ થઈ હોત.ઉલ્લેખનીય છે કે, મુંબઈ મોનોરેલ સપ્ટેમ્બરથી બંધ છે. મોન્સૂન દરમિયાન ટેકનિકલ ખામીઓ અને વારંવાર પેદા થતા સેવા અવરોધને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓગસ્ટમાં ભારે વરસાદ દરમિયાન એક ટ્રેન વચ્ચે અટવાઈ ગઈ હતી જેમાં 582 મુસાફરો ચાર કલાક સુધી ફસાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં બીજી ખામીથી 17 મુસાફરો વાડાલા નજીક અટવાયા હતા. આ બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ 20 સપ્ટેમ્બરથી સેવાઓ સ્થગિત કરીને સંપૂર્ણ ટેકનિકલ સુધારણા શરૂ કર્યું છે, જેમાં નવી રેકનું સંકલન, અદ્યતન સીબીટીસી સિગ્નલ સિસ્ટમની સ્થાપના અને જૂની રેક્સના સુધારણા સામેલ છે.

મુંબઈ મોનોરેલ 20 કિમીનો કોરિડોર આવરી લે છે, ચેમ્બુરથી વડાલા અને સંત ગાડગે મહારાજ ચોક સુધી. તેનો પ્રથમ તબક્કો 2014માં શરૂ થયો હતો, જ્યારે બીજો તબક્કો 4 માર્ચ, 2019થી શરૂ થયો હતો. હાલ તે ભારતની એકમાત્ર કાર્યરત મોનોરેલ છે, જોકે તેમાં મુસાફરોની સંખ્યા હજી પણ અપેક્ષા કરતાં ઘણી ઓછી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
