મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મંગળવારે સવારે એક દુઃખદ ઘટના બની, જેમાં 81 વર્ષનાં ઉષા જમનાદાસ ખેરાણીનું બેસ્ટ બસની અડફટે ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ઉષાબેન એન.એસ. રોડ સ્થિત પ્રકાશ કુંજ ઈમારતના બીજા માળે પુત્ર ધીરેન ખેરાણી અને તેમના પરિવાર સાથે રહેતાં હતાં.
કચ્છી લોહાણા- કચ્છ ગામઃ મોટી વિરાણીનાં ઉષાબેન દરરોજની જેમ મંગળવારે સવારે પાંચ રસ્તા પરના બિલેશ્વર મહાદેવ મંદિર તરફ પૂજા માટે નીકળ્યાં હતાં. આ ઘટના સવારે 10.20 વાગ્યે, તેમના ઘરથી લગભગ 200 મીટર દૂર બની. તે સમયે એક બેસ્ટ બસે વધુ ઝડપે આવીને ઉષાબેનને અડફેટે લીધાં, જેના કારણે તેમના ડાબા હાથ અને ડાબા પગ પર બસ ચઢી ગઈ. ઈજાઓ ગંભીર હોવાથી તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું.

અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરી હાથ ધરી. ત્યાં હાજર રહેલા રશ્મિન કોઠારી, જે ઉષાબેનના પુત્ર ધીરેનના મિત્ર છે, તેમણે મૃતદેહની ઓળખ કરી અને ધીરેન ખેરાણીને અકસ્માતની જાણ કરી.પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બસ ડ્રાઈવર અને કંડક્ટરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. બસને જપ્ત કરવામાં આવી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ ઝડપ, બેદરકારી કે તકનીકી ખામી તે અંગે તપાસ ચાલુ છે. આ દુર્ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં આક્રોશ અને દુઃખનું વાતાવરણ ફેલાવ્યું છે. સ્થાનિક લોકોએ પાંચ રસ્તા વિસ્તારમાં વધતા ટ્રાફિક અને બસોની ઝડપ પર નિયત્રંણ લાવવાની માગણી કરી છે. કારણ કે થોડા દિવસ પહેલા આ જ રસ્તા પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થયું હતું.
ઉષાબહેનના પુત્ર ધીરેન ખેરાણીએ ગુર્જરભૂમિ ને કહ્યું હતું કે ‘મમ્મી વર્ષોથી મુલુંડ પાંચ રસ્તા પર આવેલા બિલેશ્વર મંદિરમાં સવારે દર્શન કરવા જતાં હતાં. મંગળવારે સવારે પણ દસ વાગ્યાની આસપાસ તેઓ દર્શન કરવા માટે ઘરેથી ચાલતાં નીકળ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો. તેમને અગ્રવાલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હોવાની જાણકારી મળતાં તાત્કાલિક હું હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યાં ડૉક્ટરે મમ્મીને મૃત જાહેર કરી દીધાં હતાં. મમ્મી રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો અને ત્યાં ભેગા થયેલા લોકોએ તેમને હૉસ્પિટલમાં પહોંચાડયાં હતાં.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
