મુંબઇમાં મંગળદાસ માર્કેટ વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ચાંદીનું શિવલિંગ, ચાંદીનાં આભૂષણો સહિત ત્રણ લાખ રૂપિયાની મતા ચોરનાર 24 વર્ષના યુવકને એલ.ટી. માર્ગ (લોકમાન્ય ટિળક) પોલીસે રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ ભૂલેશ્ર્વર અને પાયધુની વિસ્તારમાંના મંદિરમાં પણ ચોરી કરી હોવાનું તપાસમાં જણાયું હતું. આરોપી મંદિરમાંથી ચોરેલી ચાંદી વતનમાં જમીનમાં દાટી દેતો હતો અને બાદમાં તેને ઓગાળીને જોધપુર, જયપુરમાં વેચી દેતો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
એલ. ટી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કપિલ બ્રિજમોહન સોની (24) તરીકે થઇ હોઇ તે જોધપુરનો રહેવાસી છે. આરોપી કપિલ દક્ષિણ મુંબઇના વી.પી. રોડ ઉપરાંત અંધેરી, ડી.એન.નગર, જુહુ અને પરેલ વિસ્તારમાં પણ અગાઉ આવી ચૂક્યો હતો, એવું તેના મોબાઇલના સીડીઆર પરથી જાણવા મળ્યું છે. આરોપીએ આ વિસ્તારોમાંના મંદિરોમાં પણ ચોરી કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ એપીઆઇ ભંડારેએ જણાવ્યું હતું.

મંગળદાસ માર્કેટ વિસ્તારમાં આવેલા મંદિરમાંથી 15 સપ્ટેમ્બરે ચાંદીનું શિવલિંગ તથા ત્રણ કિલો વજનના ચાંદીનાં આભૂષણો ચોરાયાં હતાં. આ પ્રકરણે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદ નજરે પડ્યો હતો. બાદમાં ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને મળેલી માહિતીને આધારે પોલીસ ટીમ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા રાજસ્થાનના જોધપુર જવા રવાના થઇ હતી, જ્યાં તપાસ કર્યા બાદ પોલીસ ટીમે કપિલ સોનીને તેના નિવાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ મંદિરમાંથી ચોરેલી ચાંદી જપ્ત કરાઇ હતી.
એપીઆઇ ભંડારેએ જણાવ્યું હતું કે આરોપીને વ્યવસાયમાં નુકસાન જતાં પૈસા કમાવા માટે તે ગુનો આચરવા લાગ્યો હતો. જોધપુરથી તે મુંબઈ આવતો હતો. તે મંદિરની રેકી કરતો હતો અને બાદમાં મંદિરમાં કલાકો સુધી બેઠો રહેતો હતો. મંદિરમાંથી ભાવિકો જતા રહ્યા બાદ તક મળતાં ચોરી કરતો હતો. મંદિરમાં ચોરી કર્યા બાદ તે જોધપુરમાં જતો રહેતો હતો અને ચોરેલી ચાંદી જમીનમાં દાટી દેતો હતો. બાદમાં તેને ઘરમાં ઓગાળી વેચી દેતો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
