ડોમ્બિવલી પાસેના ઠાકુર્લી ખંબાળપાડા વિસ્તારમાં સંબંધીઓના ઘરે માતા સાથે રોકાવા આવેલી એક ચાર વર્ષની બાળકી પ્રાણવી વિક્કી ભોઇર અને તેની માસી શ્રૃતી અનિલ ઠાકુર (૨૪)નું ઝેરી સાપના દંશથી મોત થયું હતું. ડોંબિવલી પાલિકા હોસ્પિટલમાં સમયસર પૂરતી સારવાર નહિ મળી હોવાનો આરોપ કરી તબીબો સામે પોલીસ કેસ દાખલ કરવા પરિવારજનોએ માગમી કરી હતી.
આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ડોમ્બિવલી પાસેના આજદે ગામમાં રહેતા અને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા વિક્કી ભોઇરની પત્ની પુત્રી પ્રાણવી સાથે ખંબાળપાડાના તેના પિયરમાં રહેવા આવી હતી. રવિવારે રાત્રે પ્રાણવી તેની માસી શ્રૃતી અનિલ ભોઇર (૨૪) સાથે સુતી હતી. ઘરની લાઇટો રાત્રે બંધ હતી એ દરમિયાન મધરાતે મણિયાર પ્રજાતિના ઝેરી સાપે પ્રાણવીને ભર ઉંઘમાં દંશ માર્યો હતો.

સર્પદંશ મારતા જ તે ભરઉંઘમાંથી જાગી ગઇ અને રડવા લાગી હતી. આ દરમિયાન સાપે શ્રૃતી ભોઇરને પણ દંશ માર્યો હતો. બૂમાબૂમ થઇ જતા પરિવારજનો સફાળા જાગ્યા હતા. આ સમયે તેમના બિછાના પાસે સાપ જોવા મળ્યો હતો. તરત જ પરિવારજનોને જાણ થઇ હતી કે બન્નેને સાપે દંશ માર્યો છે તેથી તાત્કાલિક બન્નેને ડોમ્બિવલીની પાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમયે ફરજ પર હાજર ડૉકટરોએ બન્નેને તપાસ્યા બાદ બન્નેની તબિયત સારી હોવાનું જણાવી સારવાર શરૃ કરી હતી. જોકે એક કલાક બાદ પ્રાણવીની તબિયત બગડવા લાગી હતી. આ સમયે ડૉકટોએ તેને તાત્કાલિક કલવામાં આવેલ થાણે મનપાની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં ખસેડવાની સૂચના આપી હતી. જોકે પ્રાણવીનું હોસ્પિટલ આવે તે પહેલા જ માર્ગમાં મોત થયું હતું. પ્રાણવીને કાર્ડિયાક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન થતા તેને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેવો આરોપ તેના પરિવારજનોએ કર્યો હતો. આ સિવાય શ્રૃતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટના બાદ રોષે ભરાયેલા બન્નેના પરિવારજનોએ આ લોકોના મોત માટે જવાબદાર ડોકટરો સામે કાર્યવાહીની માગણી સાથે ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દીપા શુકલાની કેબિન બહાર દેખાવ કર્યો હતો અને આંદોલન કરી જવાબદાર ડૉકટરો સામે સદોષ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
