નવી મુંબઇને છેલ્લાં બે દિવસથી ધમરોળી રહેલા ભારેથી અતિભારે વરસાદને લીધે સૌથી માઠી અસર એપીએમસીની જથ્થાબંધ શાકભાજી અને ફળ માર્કેટ પર થઇ છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં અતિવૃષ્ટિને કારણે નવી મુંબઇ માર્કેટમાં શાકભાજી અને ફળોની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે માર્કેટની અંદર પાણી ભરાવાને કારણે શાકભાજી ડૂબી જવાથી સડવા માંડયા છે.
વરસાદની આ વસમી અસરને લીધે શાકભાજીના ભાવ વધવાની શક્યતા માર્કેટના સૂત્રોએ દર્શાવી છે. આમ તો અત્યારે શાકભાજીના સરેરાશ ભાવમાં ૩૦ થી ૩૫ ટકાનો વધારો જોવા મળે છે. પણ ભારે વરસાદને લીધે સ્થિતી વધુ બગડતા આવનારા દિવસોમાં શાક હજી મોંઘું થવાની સંભાવના છે.

બહારગામથી ટ્રકો ભરીને શાક અને ફળોનો માલ એપીએમસીમાં આવ્યો હતો. પણ વરસાદમાં ભીંજાયેલો માલ બગડવા માંડતા ફેંકી દેવાની નોબત આવી છે. ટમેટા, લીલી ભાજી અને ઝડપથી બગડી જાય એવાં નાશવંત (પેરિશેબલ) શાક ફેંકવાની શરૃઆત થઇ ગઇ છે. પરિણામે જથ્થાબંધ ભાજીપાલા બજારમાં સડેલા શાકભાજીની તીવ્ર દુર્ગંધ ફેલાઇ છે.
રવિવારે એપીએમસી માર્કેટ બંધ રહે છે. સોમવારે માર્કેટ ખુલતા વરસાદને કારણે વધુ ગ્રાહકો ફરક્યા નહોતા. માલની ખેંચ ઉભી થવાથી ટમેટાની કિંમત કિલોએ ૨૦ રૃપિયાથી વધી ૪૦ રૃપિયા પર પહોંચી હતી. કોબી ૧૦ રૃપિયે કિલો વેંચાતી હતી તેની કિંમત ૩૦-૪૦ રૃપિયા સુધી ઉંચકાઇ હતી.

નાસિક જિલ્લાની ગણના કાંદાના સૌથી મોટા ઉત્પાદન મથક તરીકે થાય છે. છેલ્લા પાંચ-છ દિવસથી નાસિકને ધમરોળતા ભારે વરસાદને કાંદાના પાકને સૌથી વધુ નુકસાન પહોંચાડયું છે. એક તો પહેલેથી કાંદાના ભાવ ગગડતા જતા હતા એમાં પૂરને લીધે વધુ ફટકો પડતા નારાજ થઇ ગયેલા ખેડૂતોએ નાસિકના નિફાડ તાલૂકાના ખેડૂતોએ રસ્તા પર કાંદા ફેંકી પશુને ખવડાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
