જૂના હૈદરાબાદ રાજ્યના ગેઝેટ પ્રમાણે મરાઠાઓને કુણબી ગણી ઓબીસી અનામતનો લાભ આપવા મહારાષ્ટ્ર સરકાર સંમત
દેશની આર્થિક રાજધાનીમાં ચાર દિવસથી વ્યાપેલી ભારે અરાજકતા બાદ આખરે સરકારે ઝૂકી જઈને આંદોલનકારીઓની તમામ શરતો સ્વીકારતાં મનોજ જરાંગેના પારણા ઃ મહાનગરનાં ં હાર્દ સમા સાઉથ મુંબઈના વિસ્તારો પરથી આંદોલનકારીઓએ આખરે કબજો છોડયોઃ ચાર દિવસથી બાનમાં મૂકાયેલા મુંબઈગરાઓને હાશકારોઃ બજારો, ઓફિસો ફરી ધમધમશે
સમાધાન પહેલાં સુનાવણીમાં હાઈકોર્ટે આંદોલનકારીઓ અને સરકારને ઠમઠોર્યા ઃ ન્યાયમૂર્તિઓએ ચિમકી આપવી પડી કે સ્થિતિ બહાલ નહિ થાય તો અમે રસ્તા પર ઉતરશું
દેશની આર્થિક રાજધાની મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જ સહિત અનેક મુખ્ય બજારો, ટોચની કંપનીઓનાં વડાંમથકો, મંત્રાલય સહિતની સરકારી ઓફિસો તથા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઈમારતો સહિતનાં પર્યટન કેન્દ્રોનો સમાવેશ ધરાવતા સાઉથ મુંબઈના વિસ્તારોને ગત શુક્રવારથી બાનમાં લેનારાં મરાઠા અનામત આંદોલનનો આખરે આજે રાજ્ય સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચે થયેલાં સમાધાનને પગલે અંત આવ્યો હતો. રાજ્ય સરકારે મુંબઈમાં અભૂતપૂર્વ અરાજકતા બાદ આખરે ઝૂકી જઈને મરાઠા આંદોલનકારીઓની તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી. તેમની મુખ્ય માગણીમાં જૂના હૈદરાબાદ અને સતારા રાજ્યના ગેઝેટનો અમલ કરવાનો સમાવેશ થાય છે.

આ ગેઝેટ્સ માં તે સમયે ખેતી કરતા હોય તેવા તમામ મરાઠાઓને કુણબી ગણવામાં આવ્યા છે. આ ગેઝેટના અમલ સાથે મરાઠાઓને કુણબી તરીકે ઓબીસી અનામતનો લાભ આપવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, આજનાં સમાધાન પહેલાં બોમ્બે હાઈકોર્ટમાં આ આંદોલન સામે થયેલી અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે મુંબઈમાં વ્યાપેલી અરાજકતા તથા સમગ્ર શહેરને બાનમાં લેવાની હરકત બદલ રાજ્ય સરકાર તથા મરાઠા આંદોલનકારીઓને પણ આકરામાં આકરા શબ્દોમાં ઝાટક્યા હતા અને એક તબક્કે તો અદાલતે ચિમકી આપી દીધી હતી કે આજે સાંજ સુધીમાં પરિસ્થિતિ બહાલ નહિ થાય તો અમે ખુદ રસ્તાઓ પર ઉતરશું.
૧૯૧૮માં તત્કલીન હૈદરાબાદ રાજ્યની નિઝામ સરકારે પ્રગટ કરેલાં ગેઝેટમાં હાલના મહારાષ્ટ્રનના મરાઠવાડાના પણ ત્યારે હૈદરાબાદ રાજ્યમાં સ્થાન પામતા વિસ્તારોમાં ખેતી કરતા મરાઠાઓને કુણબી જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ ગેઝેટનો અમલ સ્વીકાર્યો છે. મહારાષ્ટ્રમાં કુણબી ઓબીસી ગણાય છે. એટલે હવે મરાઠાઓને કુણબી તરીકે ઓબીસી અનામતના લાભો મળતા થશે. સરકાર ગામેગામ કમિટી રચી મરાઠાઓને ચકાસણી બાદ કુણબી જાતિ સર્ટિફિકેટો આપશે. આ સર્ટિફિકેટ આપવા માટે રાજ્ય સરકાર પાસે ૫૮ લાખ એન્ટ્રીઓ મોજુદ છે તેવો જરાંગનો દાવો છે.
આ ઉપરાંત સરકારે મરાઠા આંદોલનકારીઓ સામેના કેસો પાછા ખેંચવા, મરાઠા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલાના વાલીવારસોને વળતર ચૂકવવા , મૃતકોના એક પરિવારજનને સરકારી નોકરી આપવા સહિતની માગણીઓ પણ સ્વીકારી લીધી હતી. આ પહેલાં રાધાકૃષ્ણ વિખે પાટિલે કહ્યું હતું કે લોહીના સંબંધીઓને પણ કુણબી સર્ટિફિકેટ આપવા સામે આઠ લાખ વાંધા મળ્યા છે અને તેની ચકાસણીમાં સમય લાગે તેમ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમામ મરાઠાઓને કુણબી ગણી લેવાનો જીઆર પ્રગટ કરી શકાય કે કેમ તે માટે કાનૂની મસલત કરવી પડે તેમ છે અને તેમાં બે માસનો સમય લાગશે.

૪૩ વર્ષીય મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેએ સરકારી નોકરીઓ તથા શિક્ષણમાં મરાઠાઓેને ઓબીસી અનામતના ૧૦ ટકા ફાળવવાની માગણી સાથે ગઈ તા. ૨૯મીના શુક્રવારથી સાઉથ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું. જરાંગે વતી અગાઉ હાઈકોર્ટને ખાતરી અપાઈ હતી કે માત્ર પાંચ હજાર આંદોલનકારીઓ મુંબઈમાં આવશે અને આંદોલન શાંતિપૂર્ણ રહેશે. પરંતુ, તેને બદલે ૫૦ હજારથી પણ વધારે આંદોલનકારીઓ મુંબઈ આવી ગયા હતા અને તેમણે સાઉથ મુંબઈના યુનેસ્કો હેરિટેજ સાઈટ જાહેર થયેલાં સીએસટી સ્ટેશન સહિત તમામ મુખ્ય રસ્તાઓ અને આસપાસના વિસ્તારો પર કબજો જમાવી દીધો હતો. મરાઠા આંદોલનકારીઓએ ઠેર ઠેર આડેધડ વાહનો પાર્ક કરી રસ્તાઓ પર જ રસોઈ અને જમણવાર કરતાં તથા ન્હાવા ધોવા તથા કુદરતી હાજત સહિતની ક્રિયાઓ આદરતાં મુંબઈનો આ આ સમગ્ર હેરેટિજ આઈકોનિક વિસ્તાર જાહેર ઉકરડામાં ફેરવાઈ ગયો હતો. હજારો આંદોલનકારીઓનાં ટોળાં જમા થતાં સીએસટી સ્ટેશને સામાન્ય પ્રવાસીઓ માટે પગ મૂકવાની જગ્યા રહી ન હતી. મુખ્ય રસ્તાઓ બંધ થતાં બેસ્ટ બસો પણ બંધ કરવી પડી હતી અને તેના કારણે સાઉથ મુંબઈની સરકારી અન ેખાનગી ઓફિસો, મોટા મોટા સ્ટોર્સ, કાલબાદેવી સહિતની મુખ્ય બજારો બધાની ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે પણ આવી જ અરાજકતા છવાયેલી રહી હતી. આખરે ગઈકાલે હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી થતાં હાઈકોર્ટે મરાઠા આંદોલનકારીઓને મંગળવાર બપોરના ચાર વાગ્યા સુધીમાં આઝાદ મેદાન સિવાય બાકીના તમામ વિસ્તારો ખાલી કરવા અલ્ટીમેટમ આપવું પડયું હતું. તેને પગલે ગઈ કાલ રાતથી જ પોલીસે સીએસટી સહિતના વિસ્તારો ખાલી કરાવવા કામગીરી હાથ ધરી હતી.
આજે હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી આગળ ધપી હતી. તેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને આંદોલનકારીઓ પર પરિસ્થિતિ આટલી હદે બેકાબુ કેમ બની અને આ ગેરવ્યવસ્થા રોકવા કેમ પગલાં ન લેવાયાં તે સબંધી સવાલોની ઝડીઓ વરસાવી હતી. હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે ધાર્યું હોત તો તમે પણ આ અરાજકતા અટકાવી શક્યા હોત અને આંદોલનકારકીઓને પણ આંદોલનની મંજૂરીની શરતોનો ભંગ કરવા બદલ ઠપકો આપી વધારાના આંદોલનકારીઓને કેમ ન અટકાવાયા તે જણાવ્યું હતું. હાઈકોર્ટે અગાઉ મનોજ જરાંગેને આજે સાંજ સુધીમાં આઝાદ મેદાન ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ, જરાંગે તરફથી સરકાર સાથે સમાધાનનીી પ્રક્રિયા ચાલુ છે તેવી રજૂઆત થતાં હાઈકોર્ટે આવતીકાલ સુધીની મહેતલ આપી હતી.

દરમિયાન એક સમાંતર ઘટના ક્રમ રુપે રાજ્ય સરકારે મરાઠા અનામતના ઉકેલ માટે રચેલી કેબિનેટ પેટા કમિટીના ત્રણ સભ્યો મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ, માણિકરાવ કોકાટે અને શિવેન્દ્ર ભોસલે આઝાદ મેદાનમાં આંદોલનકારીઓના મંચ પર ઉપવાસી મનોજ જરાંગેેને મળ્યા હતા અને તેમને સરકાર તેમની તમામ માગણીઓ સ્વીકારી રહી હોવાની જાણ કરી હતી. આ સાથે જ જરાંગેએ જાહેરાત કરી હતી કે આંદોલનમાં આપણો વિજય થયો છે. જરાંગેએ પારણાં કરતાંની સાથે જ આઝાદ મેદાનમાં હજારો આંદોલનકારીઓ નાચી ઉઠયા હતા અને તેમણે હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. જરાંગેએ પારણા કર્યા બાદ તેમને તરત જ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ માટે લઈ જવાયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
