રાજ્ય સરકારે ટ્રાફિક પોલીસોને દંડ વસૂલીનું ટાર્ગેટ આપ્યું છે. તે થકી ગરીબોના ખિસ્સા પર કાતર ચલાવીને સરકાર તિજોરી ભરી રહી છે, જ્યારે બીજી બાજુ અમુક ઉદ્યોગપતિઓને ખુલ્લેઆમ ફાયદો કરાવી રહી છે, એવો ગંભીર આરોપ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કરતાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
પોલીસ દ્વારા જ મને આ માહિતી મળી છે. સરકાર વિધાનસભામાં ખોટું બોલી હતી. ગરીબોનું આ રીતે શોષણ કરવા વિરુદ્ધ સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ લાવીશું, એવો ઈશારો તેમણે આપ્યો છે.
પટોલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ગરીબોને કઈ રીતે લૂંટી રહી છે તે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. સરકાર અમુક ઉદ્યોગપતિઓને પૈસા આપી રહી છે, જ્યારે ગરીબોને લૂંટી રહી છે. પોલીસોને સરકારે ટાર્ગેટ આપ્યું છે.
રોજ બસ્સો કેસ કરવાનું ટ્રાફિક પોલીસોને ટાર્ગેટ અપાયું છે. તે પૈસા જમા કરીને સરકારની તિજોરીમાં જમા કરવા કહેવાયું છે.

એક બાજુ સરકાર વિધાનસભામાં એવું કહે છે કે અમે ટ્રાફિક પોલીસને કોઈ પણ ટાર્ગેટ આપ્યું નથી, પરંતુ મારી પાસે એક પોલીસ સાથે ચર્ચાના પુરાવા છે. તે પોલીસે વરિષ્ઠો દ્વારા અમને ટાર્ગેટ પૂરું કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું છે, એમ પટોલેએ જણાવ્યું હતું.
સરકારને મારો એક પ્રશ્ન છે. શું તમે ગરીબોને લૂંટવા માગો છો? એક બાજુ લાડકી બહેન કહીને પૈસા આપી રહ્યા છે અને બીજી બાજુ તેમના પતિને લૂંટી રહ્યા છે. આથી જ સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લૂંટ તુરંત રોકવી જોઈએ.
અન્યથા વિધાનસભામાં સરકારી ખોટી માહિતી આપી તે માટે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પડશે, એવો ઈસારો તેમણે આપ્યો છે. સરકાર આ રીતે જનતાને લૂંટી રહી છે તે અમે બિલકુલ ચલાવી નહીં લઈએ. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ ખાતું પણ છે. આથી તેમણે આ બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાહુલ ગાંધી રસ્તા પરની લડાઈ લડે છે
દરમિયાન પટોલેએ એમ પણ જણાવ્યું કે અમારા નેતા રાહુલ ગાંધી રસ્તા પરની લડાઈ લડી રહ્યા છે. તેઓ બિહારમાં રસ્તા પર ઊતર્યા છે. આ પછી સંસદમાં અમે આ લડાઈ ચાલુ રાખીશું, જે પછી સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ. ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેનો અભ્યાસ થોડો ઓછો છે.
રાજ્ય ચૂંટણી પંચ પાસે હાલમાં મતદાર યાદીઓ છે ખરી? તેમની વેબસાઈટ પર યાદીઓ મળે છે ખરી? કેન્દ્રીય ચૂંટણી પંચ કઈ યાદીઓ જોવાની છે? તે કઈ યાદી બતાવવાની છે. આ યાદી વેબસાઈટ પરથી શા માટે છુપાવવામાં આવી છે? યાદીઓ આપવી હવે બંધ કરાયું છે. તેમનો અભ્યાસ ઓછો હોવાથી બાવનકુળે એલફેલ બોલી રહ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
