ગત વર્ષ સુધી ઘરગથ્થુ ગણપતિ મૂર્તિઓનું કૃત્રિમ જળાશયમાં વિસર્જન કરવું કે નહીં એ બાબત મરજિયાત હતી. આ વર્ષે છ ફૂટ કરતા ઓછી ઉંચાઈની ગણપતિ મૂર્તિઓનું કૃત્રિમ જળાશયમાં જ વિસર્જન કરવાનું છે. તેથી લગભગ તમામ ઘરગથ્થુ ગણપતિ મૂર્તિઓનું વિસર્જન આ વર્ષે કૃત્રિમ જળાશયમાં જ થશે. તેથી આ વર્ષના ગણેશોત્સવમાં વિસર્જનનો ભાર કૃત્રિમ જળાશયો પર જ આવશે. એ માટે કૃત્રિમ જળાશયોની સંખ્યા વધારવી પડશે. એનું નિયોજન કરતા મુંબઈ મહાપાલિકાના વોર્ડ કાર્યાલયોનું કામ વધશે. આ વર્ષે ગણેશોત્સવની શરૂઆત 27 ઓગસ્ટથી થશે.
પીઓપીની મૂર્તિઓ પરની બંધી કોર્ટે ઉઠાવી હોવાથી મૂર્તિકારોને રાહત મળશે છતાં બીજા કેટલાક પ્રશ્ન ઉપસ્થિત થયા છે. એમાં કોર્ટે છ ફૂટથી ઉંચી મૂર્તિઓનું જ કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પરવાનગી આપી છે. તેથી છ ફૂટથી ઓછી ઉંચાઈવાળી તમામ ઘરગથ્થુ ગણપતિ મૂર્તિઓનું આ વર્ષે કૃત્રિમ જળાશયમાં વિસર્જન કરવું પડશે. મુંબઈ મહાપાલિકાએ ઘરગથ્થુ ગણપતિ મૂર્તિના વિસર્જન બાબતે નવા માર્ગદર્શક ધોરણ જાહેર કર્યા છે. આ માર્ગદર્શક ધોરણમાં સહાયક આયુક્તોને જવાબદારી સોંપવામાં આવી છે. તેથી વોર્ડ કાર્યાલયોનું કામ વધશે.

પીઓપીની મૂર્તિ ઘડતા અને વિક્રેતાઓએ મૂર્તિની પાછળની બાજુએ સ્પષ્ટ દેખાય એ પ્રમાણે લાલ રંગનું ગોળ આકારનું ચિહ્ન કરવું ફરજિયાત છે. તેમ જ મૂર્તિ તૈયાર કરનારા અને વિક્રેતાઓએ મૂર્તિઓનું વેચાણ કરતા સમયે આ બાબતની નોંધ રાખવી ફરજિયાત છે. તમામ વિભાગીય સહાયક આયુક્તોએ મૂર્તિકાર, તેમ જ વિક્રેતાઓ મારફત એની અમલબજાવણી થતી હોવાની ખાતરી કરવી. નાગરિકોને વિસર્જન બાબતે માર્ગદર્શન આપવા બધા વિભાગીય સહાયક આયુક્તોએ ગણપતિ મૂર્તિ વિક્રેતા પાસે વિસર્જન સંદર્ભના માહિતીપત્રક વિતરિત કરવા એમ માર્ગદર્શક ધોરણમાં જણાવવામાં આવ્યું છે.
માર્ગદર્શક ધોરણની વિગત:અત્યાર સુધી છ ફૂટ કરતા ઓછી ઉંચાઈની મોટા ભાગની ઘરગથ્થુ ગણપતિનું કુદરતી સ્થળે વિસર્જન કરવામાં આવતું હતું. હવે આ બધી મૂર્તિઓનો ભાર કૃત્રિમ જળાશય પર આવશે એમ ગણીને નિયોજન કરવું જરૂરી છે. તમામ વિભાગીય સહાયક આયુક્તોએ ગયા વર્ષે પોતપોતાના કાર્યક્ષેત્રના તેમ જ નજીકના કુદરતી વિસર્જન સ્થળે વિસર્જિત કરવામાં આવેલી 6 ફૂટ સુધીની પીઓપી મૂર્તિઓનો કયાસ કાઢવો. એના આધારે આ વર્ષે કૃત્રિમ જળાશયોની સંખ્યા, ક્ષમતાનું નિયોજન કરવું.
કૃત્રિમ જળાશયો તરફ જતા માર્ગ પર જરૂરી હોય ત્યાં દિશાદર્શક બોર્ડ લગાડવું. તેમ જ વિસર્જન પહેલાં નિર્માલ્ય સંકલન કરવાની વ્યવસ્થા કૃત્રિમ જળાશયો નજીક કરવી. નવા ઠેકાણે કૃત્રિમ જળાશયની નિર્મિતી કરતા મૂર્તિનું વિસર્જન, તેમ જ વ્યવસ્થાપન સહેલાઈથી કરી શકાય એની તકેદારી રાખવી. એના માટે ટ્રક અને અન્ય વાહનોની અવરજવર સરળતાથી થાય એવા સ્થળ નક્કી કરવા. ગણપતિ મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ જળાશય સતત ઉપલબ્ધ રહે એ માટે વિસર્જિત મૂર્તિના સંકલનમાં સાતત્યની જરૂર છે જેથી વિસર્જિત મૂર્તિના કારણે જળાશય પૂર્ણપણે ભરાય નહીં.

લગભગ 2 લાખ ઘરગથ્થુ મૂર્તિ: મુંબઈમાં દર વર્ષે ગણેશોત્સવમાં દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને અગિયાર દિવસની ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છએ. સંપૂર્ણ અગિયાર દિવસના ઉત્સવમાં બે લાખ ઘરગથ્થુ તથા લગભગ 11 હજાર સાર્વજનિક ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થાય છે.
ચોપાટી, જળાશયો સહિત 69 કુદરતી વિસર્જન સ્થળે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. મુંબઈ મહાપાલિકા તરફથી તૈયાર કરવામાં આવતા કૃત્રિમ જળાશયોની સંખ્યા દર વર્ષે વધારવામાં આવે છે. ગયા વર્ષે 204 કૃત્રિમ જળાશયો તૈયાર કરવામાં આવ્યા હતા. કુલ ઘરગથ્થુ ગણપતિ મૂર્તિઓમાંથી ફક્ત 40 ટકા એટલે કે લગભગ 60 હજાર મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ જળાશયમાં કરવામાં આવે છે. આ વર્ષે 2 લાખ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ જળાશયમાં કરવામાં આવશે.
કૃત્રિમ જળાશયોની મૂર્તિનું શું થશે? કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરવા બાદ ભેગા થયેલા ગારનો નિકાલ પર્યાવરણપૂરક પદ્ધતિથી કરવામાં આવશે. એનો ઉપયોગ પુનર્વપરાશ અને પુનર્નિમિર્તી માટે કરવામાં આવશે. આ બાબતે જરૂરી દેખરેખ અને સંનિયંત્રણ મહાપાલિકા મારફત તૈયાર કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
