લોકલમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસની તૈનાતીથી લઈને ઇમરજન્સી નંબર પણ છે જ્યાં ફરિયાદ કરી શકાય. પણ એક કહેવત છે કે વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવા જવું? આવી ઘટના હમણાં મુંબઈની લોકલ ટ્રેનમાં પણ બની છે. મુંબઈની લોકલમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસના જવાનોને તહેનાત કરાય છે, પરંતુ આ જ પોલીસના વેશમાં સામેલ કોન્સ્ટેબલે મહિલા પ્રવાસીઓ સાથે અભદ્ર વર્તન કરતા સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.
મીરા-ભાયંદર અને વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં તૈનાત એક ગણવેશધારી પોલીસ કોન્સ્ટેબલે એવું શરમજનક કૃત્ય કર્યું છે જેનાથી ગણવેશ પર જ સવાલો ઉભા થયા છે. આ કોન્સ્ટેબલ શનિવારે બપોરે દારૂના નશામાં બોરીવલીથી વસઈ જતી ધીમી લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ચઢી ગયો અને ત્યાં હાજર મહિલાઓની છેડતી કરવાનું શરૂ કર્યું.

આ ઘટના શનિવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ બની હતી. બોરીવલીથી ઉપડેલી લોકલ ટ્રેન મીરા રોડ સ્ટેશન પર પહોંચતાની સાથે જ અમોલ કિશોર સપકાલે નામનો કોન્સ્ટેબલ ખાખી યુનિફોર્મમાં મહિલા ડબ્બામાં ચઢી ગયો. પ્રત્યક્ષદર્શી મહિલાઓનું કહેવું છે કે તે નશામાં હતો અને ડબ્બામાં પ્રવેશતાની સાથે જ તેણે અભદ્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું.
કેટલીક મહિલાઓએ કહ્યું કે તે જાણી જોઈને તેની કોણીથી તેમની પીઠને સ્પર્શ કરી રહ્યો હતો. ઉપરાંત, સીટ પર બેસીને તે કેટલીક મહિલાઓ પાસેથી ટિકિટ માંગવાનું નાટક કરી રહ્યો હતો. કોન્સ્ટેબલના વર્તનથી મહિલાઓ ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ.
કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો કે તેણે એક કે બે મહિલાઓના મોબાઈલ ફોન છીનવી લીધા હતા. તેની નજર પણ ખૂબ જ વાંધાજનક હતી, જેના કારણે મહિલા મુસાફરો ડરી ગઈ હતી અને ગુસ્સે થઈ ગઈ હતી. છેવટે, કંટાળીને, મહિલાઓએ મળીને તેને નાયગાંવ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતાર્યો અને તરત જ સ્ટેશન માસ્ટરને ફરિયાદ કરી.

નાયગાંવ સ્ટેશન માસ્ટરે તાત્કાલિક વસઈ રોડ રેલવે પોલીસને જાણ કરી. પોલીસ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ અને અમોલ સપકાળેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો. તબીબી તપાસમાં પુષ્ટિ થઇ કે તે દારૂના નશામાં હતો.
આ પછી વસઈ રોડ રેલવે પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 74 (મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવી) અને કલમ 351 (2) (ધમકી અને બળજબરી) હેઠળ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી હતી. આ ઘટના અંગે ફરિયાદ વસઈની રહેવાસી મહિલા મુસાફર દ્વારા નોંધાવવામાં આવી હતી.
આ ઘટના બાદ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓમાં ભયનો માહોલ છે. સામાન્ય લોકો પણ એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો યુનિફોર્મમાં પોલીસકર્મીઓ જ મહિલાઓને અસુરક્ષિત અનુભવ કરાવે છે, તો સામાન્ય માણસે કોના પર વિશ્વાસ કરવો?

For more details… Contact 9322529232 / 9324483455
