મુંબઈગરા જેની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે મહાલક્ષ્મીથી કફ પરેડ સુધી મેટ્રો-3નો અંતિમ તબક્કા ઓગસ્ટમાં શરૂ કરવાનું મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડનું લક્ષ્ય હતું, પરંતુ અમુક કામો બાકી રહેતાં હવે તે સપ્ટેમ્બરમાં શરૂ થાય એવી શક્યતા છે. ભૂગર્ભ મેટ્રો-3ના આ આખરી તબક્કાની સુરક્ષાની તપાસ હજુ શરૂ થઈ શકી નથી. આને કારણે આ માર્ગની ઓગસ્ટની મુદત વીતી જાય એવી સંભાવના છે.
મેટ્રો-3 મુંબઈના પશ્ચિમ ઉપનગરોને ઉત્તર- દક્ષિણ મુંબઈ સાથે જોડનારો માર્ગ છે. તેનો આરે જેવીએલઆરથી બીકેસી 10 સ્ટેશન અને 12.99 કિમી અંતરનો પ્રથમ તબક્કો અઢી વર્ષના વિલંબ પછી ગત ઓક્ટોબરમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો. આ પછી છ સ્ટેશન અને 10 કિમીનો આગામી તબક્કો ધારાવીથી આચાર્ય અત્રે ચોક (વરલી નાકા) બે મહિના વિલંબથી મે મહિનામાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો. હવે 11 સ્ટેશન અને 10 કિમીની આખરી તબક્કો મહાલક્ષ્મીથી કફ પરેડ માર્ગે સીએસએમટી હશે. આ શરૂ થયા પછી જ ખરા અર્થમાં ઉત્તર – દક્ષિણ જોડાશે. આ તબક્કો ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના હતી, પરંતુ તેમાં હવે વિલંબ થવાની શક્યતા છે.

આ માર્ગ પ્રવાસીઓ માટે શરૂ કરવા મેટ્રો રેલવે સુરક્ષા કમિશનરના પ્રમાણપત્રની જરૂર હોય છે. આ માટે કમિશનરેટ પાસેથી માર્ગ, તેનાં સ્ટેશન અને મેટ્રોના ડબ્બાના સંચાલનની પ્રવાસીઓની સુરક્ષાની દ્રષ્ટિથી બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. તેમના અહેવાલ પછી મેટ્રોએ જો કોઈ ફેરફાર સૂચવ્યા હોય તો તે કરવા પડે છે. આ પછી સેવા શરૂ કરવાનું પ્રમાણપત્ર અપાય છે.
આ સર્વ પ્રક્રિયા માટે કંપની કમિશનરેટને અરજી કરીને નિરીક્ષણ માટે આમંત્રિત કરે છે. કમિશનરેટને નિમંત્રિત કરવા પૂર્વે સંપૂર્ણ મેટ્રોની સર્વ પ્રકારની અંતિમ તપાસ પૂર્ણ કરવી પડે છે. આ સર્વ પ્રક્રિયાને કમસેકમ દોઢથી બે મહિના લાગે છે. જોકે આ માર્ગ પર હજુ અંતિમ તપાસ થઈ નથી. આથી તેમાં વિલંબ થઈને સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં તે શરૂ થઈ શકશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
