ઊર્જાનો પોર્ટફોલિયો પણ ધરાવતા રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં મંગળવારે જણાવ્યું કે સ્માર્ટ પોસ્ટ-પેઈડ મીટરો ઉપયોગ કરતા વીજ ગ્રાહકોને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) દ્વારા જારી નવા ટેરિફ આદેશ અનુસાર ‘સોલાર અવર્સ’ દરમિયાન ઉપયોગ કરાતી વીજ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના ઈતિહાસમાં પહેલી વાર વીજ ટેરિફ 70 ટકા વસતિ માટે 26 ટકા સુધી નીચે લાવવામાં આવ્યું છે. તેમણે શિવસેના યુબીટીના વિધાનસભ્ય મિલિંદ નાર્વેકર અને કોંગ્રેસના વિધાનસભ્ય સતેજ પાટીલ દ્વારા રજૂ કરવામાં આવેલી ધ્યાનાકર્ષક સૂચનાનો જવાબ આપતાં રાજ્યમાં સ્માર્ટ મીટર યોજનાની અમલબજાવણી માટે સરકારના એકશન પ્લાન સંબંધમાં માહિતી આપી હતી.

મુખ્ય મંત્રીએ ઘોષણા કરી કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરોને બદલે પોસ્ટ-પેઈડ સ્માર્ટ મીટરો ગોઠવવામાં આવશે. આવાં મીટરો ગોઠવવાને કારણે વીજળીની બચત થશે. તેનાથી દસ વર્ષ માટે ગ્રાહકો પર બોજ નહીં આવશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ફીડર મીટરની જગ્યાએ ઈ-મીટર લગાવવા માટે દેશભરનાં રાજ્યોને ભંડોળ પૂરું પાડ્યું છે અને તે અનુસાર વીજ વિતરણ પ્રણાલીમાં સુધારણા લાવવા નિર્દેશ આપ્યા છે. તે મુજબ આ યોજના મહારાષ્ટ્ર દ્વારા 2020માં અપનાવવામાં આવી હતી.
સ્માર્ટ મીટરો નિઃશુલ્ક ગોઠવાશે
અગાઉ રાજ્યની વીજ વિતરણ કંપની મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (મહાવિતરણ)એ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરો નિઃશુલ્ક ગોઠવવામાં આવશે અને ગ્રાહકો પાસેથી તે માટે કોઈ શુલ્ક વસૂલ નહીં કરાશે. સ્માર્ટ મીટરો અચૂક બિલિંગ પૂરું પાડશે અને ગ્રાહકોને ઉપભોગ કરે તેટલી જ વીજ માટે પૈસા ચૂકવવાનું રહેશે. સ્માર્ટ મીટરો પોસ્ટપેઈડ છે અને પ્રીપેઈડ નથી અને ગ્રાહકોએ તેને રિચાર્જ કરવાની જરૂર નહીં રહેશે. મહાવિતરણ અનુસાર બિલિંગ પ્રક્રિયા અગાઉ જેવી જ રહેશે અને ગ્રાહકોને સામાન્ય મુજબ તેમનાં બિલો પ્રાપ્ત થશે. સ્માર્ટ મીટરોને કારણે વીજચોરી અટકાવવા, નુકસાન લઘુતમ કરવા અને વીજ ઉપભોગ પર અસલ સમયનો ડેટા પૂરો પાડવામાં મદદ થશે.

સ્માર્ટ મીટરોનું પરીક્ષણ રાષ્ટ્રીય લેબોરેટરીમાં કરાયું છે અને તે અચૂક રીડિંગ્સ આપશે. ગ્રાહકો મોબાઈલ એપનો ઉપયોગ કરીને અસલ સમયમાં તેમના વીજ ઉપભોગનું પગેરું રાખી શકશે. ઉપરાંત સ્માર્ટ મીટરો ગ્રાહકોને તેમના વીજ ઉપભોગનું વ્યવસ્થાપન કરવામાં અને બગાડ ઓછો કરવામાં મદદ કરશે. સ્માર્ટ મીટરો વીજ ચોરી પકડી શકે છે, જેથી નુકસાન ઓછું થશે અને ગ્રિડની એકંદર કાર્યક્ષમતામાં સુધારણા થશે.

For more details… Contact 9322529232 / 9324483455
