ઈલેકટ્રીક વાહનોની ખરીદી મુંબઈમાં દિવસે દિવસે વધી રહી છે. ગયા વર્ષની સરખામણીએ એમાં 30 ટકાનો વધારો થયો છે. વધતું પ્રદૂષણ અને પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણનો ખર્ચ ઓછો કરવા ઈલેકટ્રીક વાહનોની ખરીદી પર નાગરિકો ભાર મૂકી રહ્યા છે. તેથી 2024-25ના આર્થિક વર્ષમાં મુંબઈના ચારેય આરટીઓ કાર્યાલયમાં 42 હજાર 885 વાહનોની નોંધણી થઈ છે. એમાં ટુવ્હીલરની સંખ્યા વધારે છે.
રાજ્યમાં 2022માં ઈલેકટ્રીક વાહન ધોરણ લાગુ કરવામાં આવ્યું હતું. એ સમયે ઈલેકટ્રીક વાહનોની ખરીદી પર સબસિડી આપવામાં આવતી હતી. જૂના ધોરણ અનુસાર રાજ્યમાં 2025 સુધી કુલ નોંધ થયેલા વાહનોમાંથી 10 ટકા ઈલેકટ્રીક વાહન હોવા જોઈએ એવો ઉદ્દેશ લગભગ સાધ્ય થયો છે એમ પરિવહન અધિકારીએ જણાવ્યું હતું. નવા ધોરણ અનુસાર હવે 2030 સુધી ટુવ્હીલર અને થ્રીવ્હીલર વાહનોની નોંધણીમાંથી 40 ટકા, ફોર વ્હીલર પ્રવાસી વાહનોમાંથી 30 ટકા અને શહેરી ભાગના સાર્વજનિક ફ્લિટ ઓપરેટર્સના તેમના કાફલામાંના 50 ટકા સુધી ઈલેકટ્રીક વાહન નોંધાવવાનો ઉદ્દેશ છે.

છેલ્લા થોડા વર્ષમાં રાજ્યના મુખ્ય શહેરોમાં વાયુ પ્રદૂષણમાં ઘણો વધારો થયો છે. તેથી હવાનો દરજ્જો સુધરે એ માટે ઈલેકટ્રીક વાહનો પર ભાર મૂકવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ વગેરે ઈંધણ પરના વાહનોના ધુમાડામાંથી મોટા પ્રમાણમાં કાર્બન મોનોક્સાઈડ બહાર નીકળે છે. તેથી હવાનું સ્તર મોટા પ્રમાણમાં પ્રદૂષિત થાય છે. એ રોકવા માટે ઈલેકટ્રીક વાહનની ખરીદી પર નાગરિકોની પસંદગી થોડા વર્ષથી વધી છે.
રાજ્યમાં નવું ઈલેકટ્રીક વાહન ધોરણ 2025થી 2030 એમ પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવ્યું છે. એમાં ઈલેકટ્રીક વાહન સાથે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવા માટે પણ સવલત જાહેર કરવામાં આવી છે. એ અનુસાર 50થી 250 કિલો વોટ કરતા ઓછી ક્ષમતાના ચાર્જિંગ સ્ટેશનને 5 લાખ રૂપિયા સુધી અને 250 થી 500 કેવીના ચાર્જિંગ સ્ટેશન માટે 10 લાખ રૂપિયા સુધી છૂટ મળશે.
રાજ્યમાં 5.62 લાખ વાહન : ઈલેકટ્રીક વાહનોની ખરીદીમાં દેશમાં મહારાષ્ટ્ર દ્વિતિય ક્રમે છે. રાજ્યમાં સૌથી વધારે ઈલેકટ્રીક વાહન પુણેમાં છે. અત્યારે રાજ્યમાં 5 લાખ 62 હજાર ઈલેકટ્રીક વાહનની નોંધણી થઈ છે. ઈલેકટ્રીક વાહન પર્યાવરણ માટે અનુકૂળ છે તેમ જ પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ઈંધણનો ખર્ચ ઓછો છે.

બજેટ જોગવાઈમાં વધારો : વીજ પર ચાલતા વાહનોની માગમાં વધારો થાય એ માટે કેન્દ્ર સરકારે આ વર્ષે બજેટમાં ઈવી બેટરી અને એના માટે જરૂરી 35 ઘટકો પર એક્સાઈઝ ડ્યુટી રદ કરી છે. એનો સીધો ફાયદો ઈવીની કિંમત પર થતા ઘટાડા સ્વરૂપે દેખાશે. તેમ જ આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અમલમાં મૂકાતી યોજનાના ભંડોળમાં પણ 20 ટકા વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષના બજેટમાં ઈવી ઉદ્યોગની યોજનાઓ માટે કેન્દ્ર સરકારે 4434.92 કરોડ રૂપિયા વિતરિત કર્યા. આ વર્ષના બજેટમાં એમાં વધારો કરીને 5322 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

For more details… Contact 9322529232 / 9324483455
