મુલુંડમાં એક ગુજરાતી સીએ પર હુમલો કરી હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મુલુંડ પોલીસે ૫૯ વર્ષીય નિવૃત્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ચંદ્રકાંત છગનલાલ શાહ પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરવાના આરોપસર ૨૨ વર્ષીય અજાણ્યા યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ફરિયાદ મુજબ મુલુન્ડ (વે)માં યોગી હિલ્સમાં રોયલ ટચ બિલ્ડીંગમાં રહેતા ચંદ્રકાંતભાઈ ૩૧ મેના રાત્રે ૮.૨૫ વાગ્યે વીણાનગરના એચડીએફસી બેન્કના એટીએમાં રોકડ ઉપાડવા ગયા હતા. એટીએમમાં પહેલેથી જ હાજર એક યુવાન વારંવાર થોડી-થોડી રકમ ઉપાડી રહ્યો હતો, જેને પગલે શાહે સમય બચાવવા તેને એક વારમાં જ મોટી રકમ ઉપાડવા સલાહ આપી હતી પરંતુ તેનાથી ગુસ્સે થયેલા યુવકે ચંદ્રકાંતભાઈને ગાળો આપીને ‘આ મારી બેંક છે, મારા પૈસા છે, હું જેમ ઈચ્છું તેમ કરીશ, મને કહેવાવાળા તમે કોણ છો?’ એવું કહેતાં ચંદ્રકાંતભાઈએ તેને આદરથી વાત કરી.

પરંતુ ગુસ્સે ભરાયેલા યુવકે રસ્તા પરથી એક પથ્થર ઉપાડીને ચંદ્રકાંતભાઈના માથા પર ફેંકતા તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને હુમલાખોરે શાહને ધમકી આપતા કહ્યું હતું કે ‘મારી પાસે તમારું નામ અને એડ્રેસ છે, તમે મને ઓળખતા નથી, હું મારા માણસોને લાવીને તમારા ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશ.’ આવું કહીને યુવક તેના સ્કૂટર પર ત્યાંથી રવાના થઈ ગયો હતો.
ત્યારબાદ ચંદ્રકાંતભાઈએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ઈમેલ દ્વારા અને મુલુન્ડ કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધ્યો છે.

