થાણેમાં ૫.૫ એકર ગ્રીન ઝોનની જમીન પર પરવાનગી વગર ૧૭ બિલ્ડીંગ બની ગયા હતા તે સંબંધમાં તાત્કાલિક સાઈટ ઈન્સ્પેક્શન અને જ્યુડિસિયલ ઈન્કવાયરીનો બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. આ મામલો કોર્ટના અંતરાત્માને આઘાત પહોંચાડે છે તેવું અવલોકન હતુ. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ આરિફ ડોક્ટરની બેન્ચે કર્યું હતું.
શહેરમાંની તમામ બિન અધિકૃત ઈમારતોની યાદી બનાવવા અને ઘણું મોડુ થઈ જાય તે અગાઉ પગલાં ભરવા કોર્ટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ને નિર્દેશ આપ્યા છે.
એક વરિષ્ઠ મહિલા નાગરિકની પીટિશન પર બેન્ચ સુનાવણી કરી રહી હતી. લેન્ડ માફિયા દ્વારા જમીન પર કબજો કરવાનું આ ઉદાહરણ છે. તેવું અવલોકન બેન્ચે કર્યું હતું. થર્ડ પાર્ટીની જમીન કબ્જે કરીને સંબંધિત ઓથોરિટીની પરવાનગી વગર બાંધકામો હાથ ધરાયા હતા. તેવું અવલોકન કોર્ટે પોતાના આદેશમાં કર્યું હતુ. અરજદારે પોતાની અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પરિવારની શિલગામ (થાણે) ખાતેની ૫.૫ એકર પ્રોપર્ટી લેન્ડ માફિયાએ કબ્જે કરી હતી. બિલ્ડરો અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા હતા તેવો પત્ર અરજદારે ૨૪મી જાન્યુઆરીએ મુખ્યપ્રધાનને લખ્યો હતો.

સરકારના અને મહાનગરપાલિકાના અધિકારીઓના આશીર્વાદ વગર આટલા મોટા પાયા પર બાંધકામ થઈ જાય તે અંગે જજોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન થવું જોઈએ અને લાલચુ ખરીદનારાઓ અને કાયદેસર બાંધેલા ઘરો ખરીદનારા નાગરિકોમાં ભેદ હોય છે અને ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં નાગરિકો પોતાના અધિકારીઓની વાત નહીં કરી શકે,તેવું બેન્ચે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ટાંકીને કહ્યું હતું.
ટીએમસી કમિશ્નરની હાજરીમાં અરજદારની જમીનનું ઈન્સ્પેક્શન કરવા અને ૧૯મી જૂન અગાઉ રિપોર્ટ રજુ કરવા કોર્ટે નિમણૂક કરેલા અધિકારીને નિર્દેશ આપ્યા હતા.
ગેરકાયદેસર બાંધકામ કરનારા તમામ વ્યક્તિઓ અને મ્યુનિસિપલ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાનો બેન્ચે એક સિનિયર જ્યુડિસિયલ અધિકારીને આદેશ કર્યો હતો. તમામ ગેરકાયદેસર બાંધકામોનો સરવે કરવા અને હટાવવા હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ કર્યો હતો અને ટીએમસી તેમ નહીં કરે તો શહેર ચલાવવા અન્ય તંત્રને સોંપવામાં આવશે તેવું હાઈકોર્ટે કહ્યું હતું.

