ગૂગલ માટે ઍપ બનાવતી કંપનીમાં રોકાણ કરેલી રકમ પર મહિને બેથી 10.5 ટકાના વળતરની લાલચ આપી સેંકડો રોકાણકારો સાથે અંદાજે 92 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે થાણેના ગુજરાતી વેપારીની ધરપકડ કરી હતી. કરોડો રૂપિયાની છેતરપિંડીમાં સંડોવાયેલા ગુજરાતના આરોપીઓ હાલમાં દેશબહાર ફરાર થઈ ગયા હોવાની માહિતી પોલીસને હાથ લાગી હતી.
થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ પકડી પાડેલા આરોપીની ઓળખ પરાગ અશોકકુમાર શાહ (46) તરીકે થઈ હતી. શાહને પુણેના નારાયણગાંવ ખાતેથી તાબામાં લેવાયો હતો. કોર્ટે 11 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ કથિત છેતરપિંડી મામલે ડિસેમ્બર, 2024ના રોજ વર્તકનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે ગુજરાતમાં રહેતા જયસુખ હરિભાઈ સાખરિયા ઉર્ફે પટેલ, સુધીરભાઈ દલસુખભાઈ કોટડિયા, અવનીતરાય બાબુભાઈ બરવાળિયા ઉર્ફે પટેલ, ઉમંગ શાંતિભાઈ કોટડિયા, રંજના સુધીરભાઈ કોટડિયા, નીરુ જયસુખ સાખરિયા, રાજેશ ખોડાભાઈ પાંભર ઉર્ફે રાજુભાઈ, પ્રવીણકુમાર મનસુખભાઈ વોરા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આશ્ચર્યની વાત એટલે થાણેના ઉપવન તળાવ નજીક રહેતો અને ખેતીમાં ઉપયોગી ઓજારોનો વ્યવસાય ધરાવતો શાહ મે, 2020માં મિત્ર રાજેશ પાંભર ઉર્ફે રાજુભાઈ સાથે રાજકોટ ગયો હતો, જ્યાં તેની ઓળખાણ જયસુખ સાખરિયા સહિત અન્ય આરોપીઓ સાથે થઈ હતી. તે સમયે આરોપીએ અમદાવાદમાં તેમનો વ્યવસાય હોવાનું કહ્યું હતું. આરોપીએ તેમની કંપની ગૂગલ માટે ઍપ બનાવે છે અને તેના થકી મળતી જાહેરખબરને કારણે ગૂગલ દ્વારા ડૉલર્સમાં ઊંચું વળતર મળતું હોવાનું કહ્યું હતું.

