સમાપ્તિ તારીખ વીતી ગયેલા ખાદ્યપદાર્થોનું નવેસરથી પેકિંગ કરીને બજારમાં વેચવા માટે ઘાટકોપરની કંપનીવિરુદ્ધ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કંપની પ્રમાણિત ફૂડ સેફ્ટી લાઈસન્સ ધરાવતી નહોતી અને કામકાજ બંધ કરવાના આદેશોનું ઉલ્લંઘન કરીને કામકાજ ચાલુ રાખ્યું હતું.
એફડીએના રાજ્યમંત્રી યોગેશ કદમને મળેલી માહિતી અને જોઈન્ટ કમિશનર (ફૂડ) મંગેશ માનેની દેખરેખ હેઠળ 22 મેના રોજ ઘાટકોપર પશ્ચિમમાં કોઝમોંગી એસ્ટેટ ખાતે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા, જે સમયે તેમની પાસે એફએસએસએઆઈ લાઈસન્સ નહોતું, ખાદ્યપદાર્થ અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહ કરતો હતો, રિટેઈલ દિગ્ગજ ડી-માર્ટ પાસેથી સમાપ્તિ તારીખ અથવા સમાપ્તિ તારીખ નજીક આવેલા ખાદ્યો પ્રાપ્ત કરીને નવું પેકિંગ કરીને બજારમાં વેચાણ જેવી ગંભીર બેદરકારીઓ બહાર આવી હતી.

જાહેર આરોગ્ય સામે આ સીધો ખતરો હતો. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ 2006ની ઘણી બધી જોગવાઈઓનું કંપની દ્વારા ઉલ્લંઘન કરાતું હતું. કંપનીને ફૂડ સેફ્ટી ઓફિસર અભિનંદન રણદીવેએ 22 મેએ કામકાજ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જે પછી 29 મેએ ફૂડનાં આસિસ્ટન્ટ કમિશનર અનુપમા પાટીલ સાથે ફરીથી તપાસ કરતાં પરવાનગી વિના કંપનીએ ફરીથી કામકાજ શરૂ કર્યું હોવાનું જણાયું હતું.
આથી કંપની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 (કાયદેસર આદેશનું ઉલ્લંઘન) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006ની કલમ 55 (ફૂડ સેફ્ટી ઓફિસરના નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળતા માટે દંડ) હેઠળ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટોની વાલી કંપની કિરાણાકાર્ટ ટેકનોલોજીઝના ધારાવી એકમમાં ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અસ્વચ્છ વ્યવહારોની ગંભીર નોંધ લેતાં તેનું ખાદ્ય વેપારનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું છે.

