મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર ભાગ માટે મગાવેલા ટેંડરને બે કોન્ટ્રેક્ટરોએ પ્રતિસાદ આપ્યો હતો.
ચોમાસામાં મુંબઈના રસ્તાઓ પર પડતા ખાડા ભરવા માટે મુંબઈ મહાપાલિકાએ મગાવેલા ટેંડરને પ્રતિસાદ મળ્યો છે. તેથી આવતા અઠવાડિયે કોન્ટ્રેક્ટરને વર્કઓર્ડર આપવામાં આવશે. આ વખતે મુંબઈના સાત પરિમંડળના રસ્તાઓ પરના ખાડા ભરવા કુલ 79 કરોડ રૂપિયાના ખર્ચના ટેંડર મગાવવામાં આવ્યા હતા. કોન્ટ્રેક્ટરોએ 20 થી 25 ટકા ઓછા દરથી બોલી લગાવી હોવાથી ખર્ચ હજી ઘટશે એવી શક્યતા છે.
ગયા વર્ષની સરખામણીએ ખાડા ભરવાનો ખર્ચ 55 થી 60 ટકા ઓછો થશે એવો વિશ્વાસ મહાપાલિકા પ્રશાસને કર્યો છે. મુંબઈમાં દર વર્ષે ચોમાસા પડતા ખાડાઓને કારણે મહાપાલિકાની ટીકા થાય છે. ડામરના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ખાડા પડે છે. કોંક્રિટના રસ્તાઓ પર ખાડા પડતા નથી. તેથી ખાડામુક્ત રસ્તાઓ કરવા મુંબઈ મહાપાલિકાએ થોડા વર્ષથી રસ્તાઓના કોંક્રિટીકરણનો પ્રકલ્પ હાથમાં લીધો છે. એમાં તબક્કાવાર રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવામાં આવે છે.

મુંબઈમાં અત્યાર સુધી 1200 કિલોમીટર કરતા વધુ રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવામાં આવ્યું છે. અત્યારે મુંબઈમાં એક સાથે 701 કિલોમીટર રસ્તાઓના કોંક્રિટીકરણના કામ ચાલી રહ્યા છે. શરૂઆત કરવામાં આવેલા રસ્તાઓના કામ 31 મે સુધી પૂરા કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. જે રસ્તાઓના કામ શરૂ કર્યા છે તે રસ્તાઓ પરના ખાડા ભરવાની જવાબદારી કોન્ટ્રેક્ટરની હોય છે. તેથી આ ચોમાસામાં મુંબઈ મહાપાલિકાએ લગભગ 150 કિલોમીટર લાંબા રસ્તાઓના પરના જ ખાડા ભરવાના છે. રસ્તા કોંક્રિટીકરણના કામ જેમ જેમ પૂરા થાય છે તેમ તેમ ખાડા ભરવાનો ખર્ચ અને નાગરિકોને થતી હેરાનગતિ ઓછી થશે એવો વિશ્વાસ મહાપાલિકા અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.
પૂર્વ ઉપનગરો માટે ફરીથી ટેંડર
મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર ભાગ માટે મગાવેલા ટેંડરને બે કોન્ટ્રેક્ટરોએ પ્રતિસાદ આપ્યો હતો. એમાંથી એક બાકાત થઈ ગયો. તેથી આ ભાગ માટે ફરીથી ટેંડર મગાવવામાં આવશે. આ ભાગના રસ્તાઓના ખાડા બુઝાવવા માટે 6 કરોડ 29 લાખ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે.

