તાજેતરમાં જ ભારતીય સિનેમામાં આજીવન પ્રદાન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનારા પીઢ અભિનેતા અને ભાજપના રાજકીય નેતા મિથુન ચક્રવર્તીને મુંબઈના મલાડના તેના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ માટે મુંબઈ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા શો કોઝ નોટિસ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
મિથુને તેના બંગલામાં ગ્રાઉન્ડ ફલોર તથા મેઝેનીની ફલોર પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું નોટિસમાં જણાવાયું છે.
હાલમાં બીએમસી દ્વારા મલાડના ઈરંગલ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. કેટલાક સેલિબ્રિટીઓના બંગલા પર પણ બુલડોઝર ફેરવાયું છે. જોકે, આ જ વિસ્તારમાં આવેલા મિથુનના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ માટે મિથુનને માત્ર નોટિસ અપાઈ છે. મિથુને પણ પોતાને નોટિસ મળી હોવાનું સ્વીકાર્યું છે.

જોકે, મિથુનના દાવા અનુસાર પોતે કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી. આ વિસ્તારમાં હાલ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ચાલી રહી છે. તેના ભાગરુપે અનેક ઈમારતોેને નોટિસ અપાઈ છે. તેની સાથે સાથે મારા બંગલા માટે પણ નોટિસ જારી થઈ છે તેવો દાવો મિથુને કર્યો હતો.
બીએમસી દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે જો મિથુન આ ગેરકાયદેસર બાંધકામ દૂૂર નહિ કરે તો તેની સામે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૪૭૫એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ અનુસાર ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય તો જંગી દંડની જોગવાઈ છે.
બીએમસીની નોટિસમાં જણાવાયું છે કે આ બંગલામાં મેઝનીન લેવલ પર બે ગ્રાઉન્ડ ફલોર બનાવાયા છે. તેમાં ઈંટની દિવાલ, પાટિયાં તથા ગ્લાસ પાર્ટિશનનો ઉપયોગ કરાયો છે અને એસી શીટ રુફિંગ કરાયું છે. ૧૦ બાય ૧૦નાં ત્રણ કામચલાઉ યુનિટ બનાવી દેવાયાં છે. આ તમામ બાંધકામ કોઈ જાતની મંજૂરી લીધા વિના કરવામાં આવ્યું છે.
ગઈ તા. ૧૦મી મેએ આ નોટિસ જારી કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે જો એક સપ્તાહમાં આ ગેરકાયદેસર બાંધકામ દૂર નહિ કરાય તો બીએમસી તેને તોડી પાડશે અથવા તો તેમાં માળખાંગત ફેરફારો કરશે.

ઉલ્લેખનીય છે કે હજુ ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં જ મિથુનને ભારતીય સિનેમામાં આજીવન પ્રદાન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઈ હતી. બાદમાં ગત ઓક્ટોબરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં તેને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
મિથુન શરુઆતમાં મમતા બેનરજીની તૃણમૂળ કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો. તે તૃણમૂૂળનો રાજ્યસભાનો સાંસદ પણ બન્યો હતો. બાદમાં તે ભાજપમાં જોડાયો હતો. હાલમાં તે આવતાં વર્ષે યોજાનારી બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે તે ભાજપ વતી સભાઓ ગજવી રહ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
