બાંદરામાં લિકિંગ રોડ પર આવેલો લિંક સ્કવેર મોલમાં આગ લાગતાં આશરે ૧૦૦ જેટલી દુકાનો, ઈલેક્ટ્રોનિક ગુડ્ઝનો શો રુમ તથા રેસ્ટોરાંને ભારે નુકસાન થયું હતું. અગ્નિ શમનની કામગીરી ૧૪ કલાક સુધી ચાલુ રહી હતી અને આગનું સ્વરુપ એટલું ભયાનક હતું અને આગ સતત પ્રસરતી જતી હોવાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ બોલાવવી પડી હતી. આ મોલ દિવંગત બાબા સિદ્દિકીએ બાંધ્યો હતો. અહીં અનેક પ્રખ્યાત બ્રાન્ડઝના સ્ટોર આવેલા હતા. દિવસ દરમિયાન આ મોલ તથા આસપાસ ભારે ભીડ જામતી હોય છે જોકે વહેલી પરોઢની ઘટના હોવાથી સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી.
બાંદરા (પશ્ચિમ) વિસ્તારમાં લિંકિંગ રોડ પર લિંક સ્કવેર મોલમાં કાલે વહેલી સવારે ૪.૧૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મૉલના બેઝમેન્ટમાં ઇલેકટ્રોનિક્સ ગુડ્સ શો રૃમમાં આગ શરુ થઈ હતી. પરંતુ તે ઝડપથી ઉપરના તમામ માળે ફેલાઇ ગઇ હતી. જેના કારણે આખી ઇમારત આગમાં લપેટાઇ ગઇ હતી. છેલ્લે છેલ્લે તો ટેરેસ પરનું સમગ્ર સ્ટ્રકચર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું.
આ બનાવની જાણ થતાં મુંબઇ ફાયર બ્રિગેડ, પોલીસ, પાલિકા સહિત અનેક રેસ્ક્યુ એજન્સી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મુંબઇ ફાયરબ્રિગેડની વિનંતીને પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની એક ટીમ સવારે ૭.૫૦ વાગ્યે બચાવ કામગીરી માટે આવી હતી.

ઇમારતમાંથી નીકળતા ગાઢ કાળો ધુમાડો અને આગની જવાળામાં દૂરથી જોઇ શકાતી હતી. આગના ફોટો એ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. એમાં શોરૃમનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે સળગીને ખાખ થઇ ગયેલો જોવા મળ્યો હતો. આગ બૂઝાવવા લિંક સ્કેવર મોલ પાસે ફાયર બ્રિગેડ આશરે ૧૫ ગાડી આવી હતી. આથી રસ્તા પર જામ સર્જાયો હતો. આ વિસ્તારમાં અરાજકતા ફેલાઇ હતી.
ફાયરબ્રિગેડે સવારે લગભગ ૪.૧૯ વાગ્યે આગને લેવલ-૧, ૪.૩૦ કલાકે લેવલ-૨, ૪.૫૦ કલાકે લેવલ-૩ અને ૬.૨૫ વાગ્યે લેવલ-૪ જાહેર કરવામાં આવી હતી. જે આગની ગંભીરતા દર્શાવે છે. જેના માટે વ્યાપક અગ્નિશામક કામગીરીની જરૃર હતી.
આગમાં કોઇ જાનહાની ન થાવા માટે સાવચેતીના પગલા તરીકે મોલની બાજુમાં આવેલ બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી હતી.
મુંબઇ ફાયરબ્રિગેડના વડા રવિન્દ્ર અંબુલગેકર તેમના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તપાસ જાણી શક્યુ નહોતું.

અધિકારીએ જણાવ્યું હતું કે આગને સાંજે ૫.૨૦ વાગ્યા સુધીમાં ચારે બાજુથી કાબુમાં લેવામાં આવી હતી પરંતુ ફાયરફાયટિંગ ઓપરેશન હજુ પણ ચાલું હતું.
બે દિવસમાં મુંબઇમાં વહેલી સવારે લાગેલી આ બીજી મોટી આગ છે. દક્ષિણ મુંબઇમાં બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં રવિવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની ઓફિસમાં આગ લાગી હતી. આ પહેલાં થોડા દિવસો અગાઉ કુર્લાના ફિનિક્સ મોલમાં આગ લાગી હતી.
બાંદરાના લિંક સ્કવેર મોલમાં લાગેલી આગ બુઝાવવા માટે ફાયર રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ રોબોટની સ્ક્રીન પર કાટમાળ પડવાથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મોલમાં અંદાજે ૧૯૮ દુકાનો છે. શરૃઆતમાં મોલના બેઝમેન્ટમાં આગ લાગવાની કોઇને ખબર પડી નહોતી. મોલમાંથી ધુમાડો નીકળવાનું શરૃ થતા જ આ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.
ગ્રાઉન્ડ ફ્લોર પર મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાતા ફાયર બ્રિગેડના કર્મચારીઓને મોલમાં પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. અંતે ફાયર બ્રિગેડે આગ ઓલાવવાનો પ્રયાસ કરવા માટે બેઝમેન્ટમાં એક રોબોટ મોકલ્યો હતો. આ રોબોટ થોડી દૂર ગયો હતો. સર્વત્ર ધુમાડો હતો. અચાનક ઉપરની ડે બ્રિજ રોબોટની સ્કીન પર પડયો હતો. આથી રોબોટને બહાર કાઢવામાં આવ્યો હતો.

મુંબઇમાં મોલ, થિયેટર અને ઉંચી બિલ્ડીંગો મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહી છે ઇમારતના બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી જગ્યાએ આગ લાગે તો ફાયરબ્રિગેડે પોતાના જીવ જોખમમાં મૂકવો પડે છે. મુંબઇમાં પેટ્રોકેમિકલ ફેક્ટરીઓ, એટોમિક ઓનર્જી રિસર્ચ સેન્ટરમાં આગના બનાવમાં રોબોટ્સ દ્વારા પાણીનો છંટકાવ કરી શકાય છે એનો ઉપયોગ જૂની અને જર્જરિત ઇમારત અથવા કરિયા કિનારા રસ્તા તેમ જ મેટ્રો ટનલમાં આગમાં પણ થાય છે. આ રોબોટનો ઉપયોગ બાંદરાના મોલની આગ બૂઝાવવામાં કરવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
