સેન્ટ્રલ રેલવેએ 2024-25ના આર્થિક વર્ષમાં ફિલ્મોના શૂટિંગથી સારી કમાણી કરી છે. વિતેલા આર્થિક વર્ષમાં મધ્ય રેલવેની તિજોરીમાં 40.13 લાખ રૂપિયાનો ઉમેરો થયો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને આપટા સ્ટેશન ફિલ્મ નિર્માતાઓના સૌથી વધુ પસંદગીના સ્ટેશન છે. પનવેલ, લોનાવલા, ખંડાલા, વાઠાર, સાતારા જેવા સ્ટેશન તેમ જ તુર્ભે અને વાડીબંદર રેલવે યાર્ડ પણ હોટસ્પોટ બન્યા છે.
મધ્ય રેલવેએ 2024-25ના આર્થિક વર્ષમાં ફિલ્મોના શૂટિંગ માટે વિવિધ પરિસર અને રેલવે કોચ આપીને 40.13 લાખ રૂપિયા કરતા વધુ કમાણી કરી છે. વિવિધ ઠેકાણે ફિલ્મ નિર્માતા અને ધર્મા પ્રોડક્શન્સ જેવા અગ્રણી પ્રોડક્શન હાઉસ તરફથી ફિલ્મો, વેબસીરિઝ, જાહેરાત વગેરે માટે શૂટિંગ કરવામાં આવ્યું હતું. કથા પિક્ચર્સ પ્રોડક્શનના ગાંધારી ફિલ્મની શૂટિંગથી સૌથી વધુ 17.85 લાખ રૂપિયા મળ્યા તો ધર્મા પ્રોડક્શનના આપ જૈસા કોઈ ફિલ્મની શૂટિંગથી 8.12 લાખ રૂપિયા મળ્યા. આ બંને ફિલ્મનું આપટા સ્ટેશન પર શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન પર પહેલાં દિલવાલે દૂલ્હનિયા લે જાયેંગે, મુન્ના માઈકલ જેવી ફિલ્મના શૂટિંગ માટે પ્રથમ પસંદગીનું સ્ટેશન હતું.

કુદરતી સૌંદર્યના કારણે આપટા સ્ટેશન નિર્માતાઓની પસંદગીમાં પ્રથમ ક્રમે છે. અહીં કુલ ત્રણ ફિલ્મના શૂટિંગ કરવામાં આવ્યા જેના લીધે 27.57 લાખ રૂપિયા આવક થઈ. આ આંકડો શૂટિંગના કારણે થયેલી આવકના 68 ટકા છે.
સીએસએમટી ખાતે નેટફ્લિક્સની એક સીરિઝ અને ટી-20 વર્લ્ડકપની જાહેરાત માટે શૂટિંગ કરવામાં આવ્યું. કોટનગ્રીન રેલવે સ્ટેશનમાં તેલુગુ ફિલ્મ કુબેર, આપટા ખાતે ચિલ્ડ્રન ઓફ ફ્રીડમ વેબસીરિઝ, માટુંગા ખાતે દલદલ વેબસીરિઝનું શૂટિંગ થયું છે. મધ્ય રેલવેમાં આ પહેલાં સ્લમડોગ મિલિયોનર, કમિને, રબ ને બના દી જોડી, રા-વન, રાવન, પ્રેમ રતન ધન પાયો, દિલવાલે દૂલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, દબંગ, દરબાર, રંગ દે બસંતી, વગેરે ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે.
સિંગલ વિન્ડો સિસ્ટમ : મધ્ય રેલવેના જનસંપર્ક વિભાગ તરફથી ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવે છે. આ પરવાનગી ઝડપથી મળે એ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. તેથી ફિલ્મ કંપનીઓએ અરજી સાથે પટકથા અને જરૂરી દસ્તાવેજ રજૂ કરે ત્યારે પરવાનગી મેળવવામાં મદદ થાય છે.

સીએસએમટી અને આપટા સ્ટેશન પર નિર્માતાઓની સૌથી વધુ પસંદગી, ખંડાલા, વાડીબંદર રેલવે યાર્ડ પણ હોટસ્પોટ બન્યા છે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
