API અશ્વિની બિદ્રે-ગોરેની ૨૦૧૬માં થયેલી હત્યાના કેસમાં નવ વર્ષ બાદ પનવેલ કોર્ટે રાષ્ટ્રપતિ પદક વિજેતા ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર અભય કુરુંદકરને જન્મટીપની સજા અને રૃ.૨૦ હજારના દંડની સંભળાવી છે. અભય કુરુંદકર અને તેમનાં જુનિયર અશ્વિની વચ્ચે લગ્નબાહ્ય સંબંધ હતો. અશ્વિનીએ લગ્ન માટે જીદ કરતાં કુરુંદકરે અશ્વિનીની હત્યા કરી લાશના ટૂકડા કરી વસઈ ખાડીમાં ફેંકી દીધા હતા.
પનવેલના એડિશનલ સેશન્સ જજ કે. જી. પાલદેવારે પાંચ એપ્રિલે કુરુડકરને કસૂરવાર ઠેરવ્યો હતો અને સજા સુનાવણી બાકી રાખી હતી. પુરાવા નષ્ટ કરવાના આરોપસર કસૂરવાર ઠરેલા કુરુંદકરના સહયોગી કુંદન ભંડારી અને બેન્ક કર્મચારી અને નિકટના મિત્ર મહેશ ફાળનીકરને સાત વર્ષની જેલની સજા ફટકારાઈ છે. અન્ય આરોપી જ્ઞાાનદેવ ઉર્ફે રાજુ પાટીલને અપુરતા પુરાવાને લીધે મુક્ત કરાયો હતો.

આ કેસ મુખ્યત્વે મજબૂત સાંયોગિક અને ટેક્નિકલ પુરાવાને આધારે ઉકેલવામાં આવ્યો છે. આ કેસમાં અશ્વિની બિદ્રેનો મૃતદેહ ખાડીમાં ફેંકી દેવાયો હોવાથી ક્યારેય મળી શક્યો નહોતો. કેસ શરૃઆતમાં અલીબાગ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલ્યો હતો અને બાદમાં નવી રચાયેલી પનવેલ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો. કુરુડકર અને બિદ્રે બંને પ્રેમસંબંધ ધરાવતા હતા પણ બિદ્રેના વારંવાર લગ્નના આગ્રહને કારણે કુરુડકર છંછેડાયો હતો. અશ્વિની બિદ્રેના વિભક્ત પતિ રાજુ ગોરે અને તેમની પુત્રી સુચિ ગોરેએ કુરુંદકરને મહત્તમ સજાની માગણી કરી હતી.
નવી મુંબઈના માનવાધિકાર સેલના આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર અશ્વિની બિદ્રે-ગોરે (૩૭) ૧૫ એપ્રિલ ૨૦૧૬થી ગુમ હતા. બિદ્રેના ભાઈ આનંદ બિદ્રેની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો. પોલીસે કુરુંદકર, તેનો ડ્રાઈવર ભંડારી અને તેમના મિત્ર જ્ઞાાનદેવ પાટીલ અને ફળનિકર સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. બાદમાં વિસ્તૃત તપાસમાં હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કુરુંદકર અને બિદ્રે વચ્ચે લગ્નબાહ્ય સંબંધ હતા. કુરુંદકરે ૧૫ એપ્રિલ ૨૦૧૬ના રોજ અન્યોની મદદથી ભાયંદરમાં મુકુંદ પ્લાઝામાં બિદ્રેની હત્યા કરી હતી. તેના મૃતદેહના કટકા કરીને ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં બે ટ્રક અને ગુણીમાં ભરીને મૃતદેહનો વસઈની ખાડીમાં નિકાલ કરાયો હતો.
પોસ્ટિંગ બાદ બિદ્રે અને કરુંદકરનો સંપર્ક થયો

અશ્વિની બિદ્રે ૨૦૦૦થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીકરી રહ્યા હતા. તેમણે રાજુ ગોરે સાથે ૨૨૦૫માં લગ્નકર્યા હતા. લગ્નના એક વર્ષમાં જ અશ્વિની પરીક્ષામાં પાસ થતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ મેળી હતી. પોલીસ દળમાં પુણે અને બાદમાં સાંગલીમાં પોસ્ટિંગ થઈ હતી. આ દરમ્યાન તેમની ઓળખ કુરુંદકર સાથે થઈ હતી. ૨૦૧૩માં બિદ્રેને પ્રમોશન મળતાં રત્નાગિરી આવ્યા હતા. અહીં પણ કુરુંદકર તેને મળવા અવારનવાર આવતો હતો. અશ્વિનીના પતિ અને પિતાને જાણ થઈ હતી. ત્યાર બાદ થોડા વખતમાં બિદ્રે ગુમ થયાના સમાચાર મળ્યા હતા.
પોલીસની ઉદાસિનતા પર કોર્ટની નારાજગી
હત્યાનો કેસ નોંધવામાં પોલીસ દ્વારા વિલંબ થતા ંકોર્ટે ટીકા કરી હતી. રાજકીય દબાણને કારણે પણ શરૃઆતની તપાસ બાધીત થઈ હતી.વિલંબ માટે જવાબદાર અધિકારીઓની ઝાટકણી કાઢીને જજે તેમની સામે શિસ્તના પગલાંનો ભાર મૂક્યો હતો.આને લીધે એક વર્ષ કેસ વિલંબમાં પડયો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
હત્યા કેસમાં સંડોવણી છતાં રાષ્ટ્રપતિ પદક માટે નામ મોકલાયું

કુરુંદકરને ૨૦૧૭ના પ્રજાસત્તાક દિન પર પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો એ વખતે કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યુંહતું કે હત્યાના કેસમાં સંડોવણી હોવા છતાં પ્રતિષ્ઠીત મેડલ માટે તેનું નામ પોલીસખાતાઅ ેકઈ રીતે સૂચવ્યું. કોર્ટે પોલીસની સત્યતા પર સવાલ કર્યો હતો. કોર્ટે કુરુડકરનું નામ સૂચવનારા અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે એવું સૂચન પણ કર્યું હતું.
ઘટના સમયે થાણે ગ્રામીણ પોલીસ સાથે સંકળાયેલા કુરુંદકરની સાત ડિસેમ્બર ૨૦૧૭ના ધરપકડ થઈ હતી. ત્યારબાદ સેવામાંથી તેમને બરતરફ કરાયો હતો. હાલ પાલઘરમાં પોસ્ટિંગ ધરાવતા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંગીતા શિંદે આલ્ફાન્સોએ તપાસ કરી હતી.
ગૂગલ મેપ ડેટા અને ટ્રેકિંગ ટેકનોલોજીથી કુરુંદકર ફસાયો
પોલીસે કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર), સાક્ષીદારોના નિવેદનો, કેમિકલ એનાલિસીસ રિપોર્ટ અને અન્ય સાંયોગિક પુરાવાને આધારે કેસ મજબૂત બનાવ્યો હતો. આ કેસ તપાસકર્તાઓ માટે ભારે પડકારરૃપ સાબિત થયો હતો. સરકારી વકિલ પ્રદીપ ઘરાતે જણાવ્યા અનુસાર ગુગલ મેપ ડેટા અને ટ્રેકિંગ ટેકનોલોજીથી કુરુડકર હત્યાના દિવસે વસઈની ખાડી પર હાજર હોવાનું નિષ્પન્ન થયું હતું. આ મહત્ત્વના પુરાવાને લીધે તેની સંડોવણી પુરવાર થઈ હતી. કુરુંદકરે છટકવા માટે ખોટા રેકોર્ડ ઊભા કરેલા. તેણે આરોપ કર્યો હતો કે પોલીસ લોગબુકમાં ખોટી એન્ટ્રી કરી હતી જેનાથી પોતે હત્યાના સમયે પેટ્રોલિંગની ડયુટી પર હોવાનું સાબિત થાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
